અમદાવાદ : કોઈ જાદૂઈ છડી ફેરવતા જ સ્થળ કે વ્યક્તિની કાયાપલટ થઇ જાય તેવું બાળવાર્તાઓમાં સાંભળ્યું હશે. સરકારી તંત્ર પાસે પણ સ્થળની કાયાપલટ કરી દે એવી જ જાદૂઈ છડી છે. પરંતુ આ જાદૂઈ છડીનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમન થવાનું હોય ત્યારે જ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન જે પણ રૂટમાંથી પસાર થવાના છે તે રસ્તા પેટનું પાણી પણ હાલે નહીં તેવા બનાવી દેવાયા છે. ખરાબ રસ્તાથી કરદાતાની ભલે કમર તૂટે પણ મહાનુભાવ માટે પેટનું પાણી પણ હાલે નહીં તેવા રોડ જે રસ્તા રાતોરાત ‘સુધરી’ ગયા છે તેની વાત કરવામાં આવે તો તેમાં એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશન, અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર, જીએમડીસી ગ્રાઉન્ડ, હેલમેટ સર્કલનો રોડ, દૂરદર્શન કેન્દ્રથી ડ્રાઇવઈન રોડ, સોલા ભાગવત તરફના રસ્તાનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, ડ્રાઈવ ઈન રોડમાં જે બાજુથી મહાનુભાવનું જવાનું આયોજન હશે તે જ રોડ ચકાચક કરવામાં આવ્યો છે. જ્યારે તેની સામેની તરફનો રોડ એ જ ખખડધજ હાલતમાં છે.સામાન્ય વ્યક્તિ વરસાદ બાદ ખાડાવાળા રોડથી ત્રાહિમામ્ પોકારી ચૂક્યો છે. સ્થિતિ એવી છે કે, ખાડાવાળા રોડને કારણે અનેક લોકોને કમર દર્દની સમસ્યા પણ થઇ ગઈ છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના રોડ સામે લોકો બળાપો કાઢી રહ્યા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેટનું પાણી પણ હલતું નહોતું. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે,ત્યારે તેમના માટે રોડની કાયાપલટ કરી દેવામાં આવી છે. સામાન્ય વ્યક્તિ સારા રોડ માટે રજૂઆત કરવા જાય ત્યારે નવરાત્રી પછી ટેન્ડર પાસ કરાવીને જેવો ઉડાઉ જવાબ મળે છે. પરંતુ મહાનુભાવ આવવાના હોય ત્યારે દિવસ-રાત યુદ્ધના ધોરણે તમામ મશીનરીને કામમાં લગાડીને તેમને તકલીફ પડે નહીં સવલતો ઉભી કરી દેવાય છે.