શેરબજારમાં આજે એફએન્ડઓ એક્સપાયરી વચ્ચે ધૂમ ખરીદી જોવા મળી છે. સેન્સેક્સ 760 પોઈન્ટ ઉછળી 86000 નજીક 85930.43ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી પણ અત્યંત મહત્ત્વની 26250ની સપાટી ક્રોસ કરી રેકોર્ડ ટોચ નોંધાવી છે. રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ 666.25 પોઈન્ટ ઉછળ્યા બાદ 85836.12 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 211.90 પોઈન્ટ ઉછળી 26216.05 પર બંધ રહ્યો હતો.વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે પણ ભારતીય શેરબજાર સળંગ પાંચ ટ્રેડિંગ સેશનથી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી રહ્યા છે. અમેરિકી ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાતથી અમેરિકી, એશિયન અને ભારતીય શેરબજાર આકર્ષક તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે.એફએન્ડઓ સેટલમેન્ટ દરમિયાન મેટલ અને ઓટો શેર્સમાં વોલ્યૂમ વધ્યા હતા. પરિણામે ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય સારા વરસાદના કારણે કોમોડિટીમાં તેજીની શક્યતાઓ સાથે ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈ ખાતે 3.22 વાગ્યે કુલ ટ્રેડેડ 4072 શેર્સમાંથી 1668માં સુધારો અને 2284માં ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ દર્શાવે છે. સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલ વચ્ચે 256 શેર્સ વર્ષની ટોચે અને 46 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 323 શેર્સમાં અપર સર્કિટ અને 267 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.