Crypto Currency Deal: અમદાવાદ પોલીસનો વઘુ એક તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ક્રિપ્ટો કરન્સીનો એક સોદો થયો અને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં 20 લાખ રૂપિયાનું ચૂકવણું થાય ત્યાં ઝોન-1 સ્કવોડ પોલીસ પહોંચી હતી. આ 20 લાખ રૂપિયા પોલીસે ચાંઉ કર્યાના આક્ષેપ સાથે રજૂઆત કરાતાં પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યાં છે. ક્રિપ્ટો કરન્સીનો સોદો કરનાર અશોક નામનો શખ્સ અને પોલીસે પાંચ લાખ તેની પાસેથી લીધાનું રહસ્ય પણ ઘેરાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક મહિના પહેલાં નવરંગપુરામાં જ તોડ અંગે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં હતાં. હવે, ઝોન-1 સ્કવોડ સામે આક્ષેપો થયાં છે.
ઝોન-1 સ્કવોડે વેપારી પાસેથી20 લાખ પડાવ્યાના આક્ષેપો વચ્ચે અશોક અને પાંચ લાખનું રહસ્ય
અમદાવાદના અશોક નામના એક શખ્સે છેલ્લા એક-દોઢ વર્ષથી સુદર્શનભાઈ નામના વેપારી સાથે મિત્રતા કેળવી હતી. 50 લાખના રોકાણ સામે અઠવાડિયામાં જ 60 લાખ કમાવાની લાલચ આપી ચૂકેલો અશોકે હવે યુ.એસ.ડી.ટી. એટલે કે ક્રિપ્ટો કરન્સીની લાલચ આપી હતી. એક વ્યક્તિને પૈસાની જરૂરત હોવાથી ૩0 લાખની ક્રિપ્ટો કરન્સી 20 લાખમાં વેચવાની હોવાની વાત કરાઈ હતી. સુદર્શનભાઈએ પોતાના વોલેટમાં યુ.એસ.ડી.ટી. આવે તે પછી જ 20 લાખ આપશે તેવી વાત કરી હતી.
વસ્ત્રાપુર મોલ પાસે મુલાકાત કર્યા પછી પૈસાની ચૂકવણી કરવા માટે સુદર્શનભાઈને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં લવાયાં હતાં. વોલેટમાં ક્રિપ્ટો કરન્સી આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યાં મયૂર, અમીત સહિતના પોલીસ કર્મચારીઓ આવ્યાં હતાં. આંગડિયા પેઢીથી 20 લાખ રૂપિયા સાથે સુદર્શનભાઈ અને અશોકને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જવાયાં હતાં.
ઝોન-1 સ્કવોડની ઓફિસમાં પીએસઆઈ જેવા દેખાતાં એક અધિકારી પાસે બન્નેને 20 લાખ રૂપિયા સાથે રજૂ કરવામાં આવ્યાં હતાં. કંઈક અજૂગતું થશે તેવી આશંકાથી સુદર્શનભાઈએ પોતાના ઓળખિતાઓને ફોન કર્યા હતા. દબાણ સર્જાતાં અશોકે જ ઝોન-1 સ્કવોડને જવા દેવા માટેની ભલામણ કરવા સાથે સુદર્શનભાઈને 20 લાખ પરત અપાવવા ખાતરી આપી હતી. બદલામાં અશોક રૂા. પાંચ લાખ ચૂકવે તેવી માગણી કરાઈ હતી. અગાઉ નવરંગપુરામાં કામ કરી ચૂકેલા અને હાલ વેજલપુરમાં કાર્યરત પોલીસ કર્મચારીને મઘ્યસ્થી બનાવીને પાંચ લાખ રૂપિયાનો હવાલો અપાયો હતો. આ પ્રકારે અશોક પાસેથી પાંચ લાખ મેળવાયાં હતાં.
ક્રિપ્ટો કરન્સીનો ધંધો ગેરકાયદે છે તેમ કહી કાર્યવાહીની ધમકી આપનાર પોલીસથી બચ્યા અને 20 લાખ પરત મળશે તેવી આશા સાથે સુદર્શનભાઈ મુક્ત થયાં હતાં. જો કે, ત્રણ દિવસ સુધી પૈસા પરત આવ્યાં નહોતાં અને અશોકે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આખરે, વેપારી સુદર્શનભાઈએ પોલીસ કમિશનર કચેરીમાં પોતાની સાથે તોડબાજી થયાની રજૂઆત કરતાં પોલીસ કમિશનર દ્વારા ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.
ચાર દિવસ અગાઉના ઘટના ક્રમમાં ક્રિપ્ટો કરન્સી લેવા આવેલા વેપારીના 20 લાખ રૂપિયા હાલમાં કોની પાસે છે? તે તપાસનો મુદ્દો છે. વોલેટમાં યુએસડીટી આવે તે પછી 20 લાખ ચૂકવવાની તૈયારી વેપારીએ બતાવી હતી અને આંગડિયા પેઢીએ હતા.
આ જ વેપારી પાસે 20 લાખ છે અને ક્રિપ્ટો કરન્સીનો સોદો છે તેની વિગતો પોલીસને કઈ રીતે ખબર પડી? 20 લાખ રૂપિયા પરત મળ્યાં નથી અને અશોકે પાંચ લાખ આપવાના છે તેનો હવાલો વેજલપુરના પોલીસ કર્મચારીએ શા માટે લીધો? પોલીસે 20 લાખ પરત આપવા ખાતરી આપ્યા પછી પૈસા ક્યાં ગયા? ખરેખર પચ્ચીસ લાખ ચાઊં થયાં કે મિલીભગત હોવાથી 20 લાખ ચાઊં કરવા અશોકના પાંચ લાખ લેવાયાનું નાટક થયું?
પોલીસની નજર સામે જ પૈસા પરત અપાવવાની ખાતરી આપનાર અશોકે મોબાઈલ ફોન કેમ બંધ કરી દીધો? અશોક અને નવરંગપુરા ડીસીપી સ્કવોડના અમુક કર્મચારી વચ્ચે સાંઠગાંઠ હતી? એક મહિના અગાઉ આ જ રીતે નવરંગપુરા પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં જ લાવી તોડબાજીના કિસ્સામાં બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા હતા તેમ છતાં ડીસીપી કક્ષાના અધિકારીની શાખ જોખમાય તેવું કૃત્ય તેમના જ સ્કવોડે કરવાની હિમ્મત કયા સંજોગોમાં કરી? ચોંકાવનારાં ઘટના ક્રમના ખરાં તથ્યો પોલીસ કમિશનરે સોંપેલી તપાસ દરમિયાન બહાર આવશે કે કેમ તે સવાલ વચ્ચે હાલમાં આ બનાવ પોલીસ તંત્રમાં જ ચર્ચાના ચગડોળે ચડ્યો છે.