Manas Sinha Joins BJP: ઝારખંડમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ માનસ સિન્હા પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના ઝારખંડના પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ સિંહાને પાર્ટીની સદસ્યતા અપાવી છે. કોંગ્રેસ તરફથી સિન્હાએ ભવનાથપુર વિધાનસભા બેઠક પર દાવો કર્યો હતો. પરંતુ કોંગ્રેસે તેમના પર ધ્યાન ન આપ્યું. તેના બદલે ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેના કારણે ભવનાથપુરના કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે માનસ સિન્હા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
મેં મારા અમૂલ્ય 27 વર્ષ પાર્ટીને આપ્યા
ભાજપમાં સમેલ થતાં પહેલા માનસ સિન્હાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખને પત્ર લખીને પાર્ટીની સદસ્યતા છોડવાની માહિતી આપી હતી. માનસ સિન્હાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘મેં મારા અમૂલ્ય 27 વર્ષ પાર્ટીને આપ્યા છે. પાર્ટીએ મને જે જવાબદારી આપી તે મેં ઈમાનદારીથી નિભાવી છે. મેં દરેક વખતે સારું પરિણામ આપવાનો પ્રયાસ કર્યો અને મેં મારી જાતને સાબિત પણ કરી છે. પરંતુ મને લાગે છે કે, મારા કામની અહીં કોઈ કિંમત નથી. મારા કામનું મહત્વ નથી.’
પાર્ટીએ મને અપમાનિત કર્યો
સિન્હાએ પત્રમાં આગળ લખ્યું કે, ‘આ ચોથી વખત પાર્ટીએ મને અપમાનિત કર્યો છે. મને નીચો દેખાડ્યો છે. કોઈ પણ વસ્તુને સહન કરવાની એક મર્યાદા હોય છે. હવે એવું લાગે છે કે મારી સહનશીલતાની હદ પાર થઈ ગઈ છે. અત્યાર સુધી હું માત્ર કોંગ્રેસ વિશે જ વિચારતો હતો, પરંતુ હવે સમય આવી ગયો છે કે, મારે મારા વિશે પણ વિચારવું જોઈએ. તેથી હું કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.’
ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે
તમને જણાવી દઈએ કે, ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરના રોજ મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.