‘Digital Condom’ App : આધુનિક ટેક્નોલોજીના જમાનામાં પ્રતિદિન કંઈ ને કંઈ નવું સંશોધન થતું રહેતું હોય છે. એમાંનું ઘણું તો નવાઈ લાગે એવું હોય છે. આવું જ એક નવી-નવાઈનું સંશોધન તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે. નામ છે- ‘કેમડોમ’, એટલે કે ‘ડિજિટલ કોન્ડોમ’! જેવું નામ એવું કામ આપતી આ એક નવીનતમ એપ છે, જે તમારી ‘અંગત’ ક્ષણોને ‘જાહેર’ થતાં બચાવશે. ચાલો જાણીએ કે શું છે આ એપ અને એ કઈ રીતે કામ કરે છે.
જૈસા નામ વૈસા કામ – ડિજિટલ કોન્ડોમ
જર્મનીની કોન્ડોમ બ્રાન્ડ ‘બિલી બોય’એ જાહેરખબર એજન્સી ‘ઇનોસિયન બર્લિન’ સાથે મળીને ‘કેમડોમ’ નામની મોબાઇલ એપ લોન્ચ કરી રહી છે. આ એક પ્રકારનો ‘ડિજિટલ કોન્ડોમ’ છે જે મોબાઇલ ઉપકરણોને અવરોધિત કરીને સેક્સ દરમિયાન બિન-સહમતિપૂર્ણ સામગ્રીના રેકોર્ડિંગથી રક્ષણ આપે છે. જે રીતે કોન્ડોમના ઉપયોગથી અસુરક્ષિત સંભોગથી બચી શકાય છે, એ જ રીતે ‘કેમડોમ’ એપના ઉપયોગથી અંગત પળોના દુરુપયોગથી બચી શકાય છે. કેમડોમ= કેમેરા+કોન્ડોમ.
‘ડિજિટલ કોન્ડોમ’ તમારી અંગત ક્ષણોને ગુપ્ત રાખશે, જર્મન કંપનીની આ એપ કરશે પ્રાઈવસીની સુરક્ષા
આ રીતે કામ કરશે ‘કેમડોમ’
ઘનિષ્ઠ પળોને ખાનગી રાખવાના ઉદ્દેશ્ય સાથે બનાવાયેલી આ એપનો ઉપયોગ આ રીતે કરવાનો હોય છે. શારીરિક નિકટતા કેળવતા પહેલાં તમારે તમારા અને તમારા સાથીના મોબાઇલ ફોનમાં બ્લુટૂથ ફિચર ઓન કરવાનું હોય છે. પછી બંને મોબાઇલને બાજુબાજુમાં મૂકીને કેમડોમ એપ ખોલીને એને સ્વાઇપ કરીને એક્ટિવ કરી દેવાની હોય છે. આમ કરતાં જ બંને મોબાઇલના કેમેરા બ્લોક થઈ જશે. જ્યાં સુધી કેમડોમ એપ ઓફ્ફ કરવામાં નહીં આવે ત્યાં સુધી બંને મોબાઇલના કેમેરા અને માઇક્રોફોન વાપરી નહીં શકાય.
દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો તો?
કેમડોમ એપ ઓન કર્યા બાદ જો બે પૈકી કોઈ એક પણ વ્યક્તિ પોતાના સાથીથી છુપી રીતે પોતાના મોબાઇલનો કેમેરા ઓન કરવાનો પ્રયાસ કરશે તો મોબાઇલમાં એલાર્મ વાગશે, જેને લીધે સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે એનો સાથી એની જાણ બહાર અનિચ્છનીય પ્રયાસ કરી રહ્યો છે. સુરક્ષાનું આ ફિચર અદભુત છે.
એકીસાથે કેટલા મોબાઇલમાં આ એપ કામ કરશે?
કેમડોમ એપ એટલી પાવરફૂલ છે કે ફક્ત બે નહીં, તમે ચાહો એટલા મોબાઇલમાં એકીસાથે કામ આપે છે. હા, શરત એ કે બધા મોબાઇલના બ્લુટૂથ ઓન હોવા જોઈએ અને એકબીજાની પાસે મૂકેલા હોવા જોઈએ. રૂમમાં અગાઉથી છુપાવીને રાખેલા મોબાઇલ પર કેમડોમ એપ કામ નહીં કરે.
આ પ્રકારના ફાયદા થશે
‘અંગત પળોનું રેકોર્ડિંગ કરીને એકે બીજાને બ્લેકમેઇલ કર્યું’, એ પ્રકારના સમાચારો આપણે છાશવારે જોતા-સાંભળતાં-વાંચતા હોઈએ છીએ. આવા કિસ્સામાં પછી ભોગ બનેલ વ્યક્તિનું શોષણ લાંબા ગાળા સુધી થતું રહેતું હોય છે. બદનામીના ડરે એ કોઈને કહી નથી શકતી. વિરોધ કરનાર કે ફરી તાબે ન થનારની અંગત પળોનો વિડીયો લીક કરી દેવાય અને એ વાયરલ થઈ જાય, એવું પણ બનતું હોય છે. પીડિત નોકરી ગુમાવી દે, ભાવનાત્મક તકલીફમાં મૂકાઈ જાય, એને હતાશા ઘેરી વળે અને વાત ઘણીવાર આત્મહત્યા સુધી પહોંચી જતી હોય છે. આવું બને ત્યારે ફક્ત પીડિત જ નહીં એનો પરિવાર પણ દુખી-બદનામ થતો હોય છે.
આ એક એવું દૂષણ છે જે બને એ પહેલાં જ નાથવાની તાતી જરૂરિયાત હતી, અને એ જરૂરિયાત પૂરી કરવા આવી ગઈ છે કેમડોમ એપ. ડિજિટલ વિશ્વમાં તમારા સંવેદનશીલ સમયને સુરક્ષિત રાખવા માટે આ એક સસ્તો અને સારો વિકલ્પ છે.
રમૂજનું કારણ બની આ એપ
કેમડોમ એપ લોન્ચ થતાં જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ રમૂજભરી અને ગંભીર કોમેન્ટ્સ કરવા લાગ્યા છે. કોઈકે આ એપનું સ્વાગત કર્યું છે તો કોઈકે અંગત પળોમાં પણ ઘૂસી ગયેલી ટેક્નોલોજીની મજાક ઉડાવી છે. ઘણાએ આવા ‘ડિજિટલ કોન્ડોમ’ની જરૂરિયાત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 30 દેશોમાં શરૂ કરાયેલ આ એપ ભારતમાં પણ ઉપલબ્ધ છે.