વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ તાજેતરમાં જ લાલબાગ, ફતેગંજ, હરીનગર અને અમિતનગર બ્રિજ નીચે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓફરો મંગાવી છે. હાલમાં ફતેગંજ બ્રિજ નીચે અમુક હિસ્સામાં દિવાલ બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાળકો માટે આનંદ પ્રમોદની પ્રવૃત્તિનો પ્રયોગ જો અહીં સફળ રહેશે તો બીજા બ્રિજ નીચે પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.વડોદરામાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા કોર્પોરેશન દ્વારા 20થી વધુ બ્રિજ બનાવ્યા છે. કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં પણ આ સંદર્ભે ઉલ્લેખ કરવામાં આવેલો છે અને તે માટે એક કરોડનો ખર્ચ અંદાજ્યો છે. અગાઉ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક બાદ સમગ્ર સભામાં આ સંદર્ભે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. શહેરમાં બનેલા ફ્લાય ઓવર બ્રિજ નીચે ગંદકી અને દબાણો દૂર થાય તે માટે બ્રિજની નીચેની જગ્યા ડેવલપ કરી ત્યાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની આ દરખાસ્ત હતી. ટાઉન પ્લાનિંગ સમિતિમાં જે દરખાસ્ત મંજૂર કરાઈ હતી તેમાં જણાવાયું હતું કે શહેરમાં છેલ્લા વર્ષોમાં ઘણા ફ્લાય ઓવર બ્રીજ બન્યા છે. આ ફ્લાય ઓવર બ્રીજની નીચેની જગ્યા ખુલ્લી હોવાને કારણે કેટલીક જગ્યાઓએ ગેરકાયદે દબાણો થયેલા છે, તો કેટલીક જગ્યાઓએ કચરાનાં ઢગલા અને ઉકરડા થઇ ગયેલ છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં બનાવેલા ઓવર બ્રિજ નીચે ભિક્ષુકો, શ્રમજીવીઓ, ફુગ્ગાવાળાઓ અને બે ઘર લોકો ઉપરાંત ઢોરોનો જમેલો હોય છે. જેઓ સતત ગંદકી ફેલાવતા રહે છે. તેઓને વારંવાર ખદેડવા છતાં ફરી પાછા ત્યાં આવી જાય છે. જો બ્રિજ નીચે આનંદ પ્રમોદની અને રમતગમતની પ્રવૃત્તિ શરૂ થાય તો સ્વચ્છતા જળવાઈ રહે તેમ જ બ્રિજની નીચેનો લુક પણ બદલાઈ શકે.