ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે મુન્દ્રા ખાતે નોકરી દો, નશા નહીં’ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. પોર્ટ ખાતે અદાણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી આગેવાનો કાર્યકરોની સભા સ્થળથી ઝીરો પોઈન્ટ સુધી રેલી નીકળી હતી. જેમાં પોલીસ અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 30 જેટલા કોંગ્રેસના કોર્યકરોને અટકાયત બાદ મુક્ત કરાયા હતા.
‘અદાણીના લીધે ભારત દેશની છબી પણ ખરાબ થઈ’ :
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકાર માત્ર ગુજરાત જ નહીં દેશભરના યુવાનોને બરબાદ કરી રહી છે. મુન્દ્રા પોર્ટથી ભાજપ સરકાર અને અદાણીની જુગલબંધીના લીધે 50,000 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ કોના ઈશારે આવી રહ્યું છે તે દેશ વાસીઓને ખબર છે. સરકારને તમામ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. આજના યુવાનોને નશાની જરૂર નથી, પણ નોકરીની જરૂર છે. અદાણીના લીધે ભારત દેશની છબી પણ ખરાબ થઈ રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, કેન્યા અદાણી કંપની બ્લેક લિસ્ટ કરવામાં આવી છે અને તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેના લીધા વિશ્વમાં ભારત માતાની છબી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.’