સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઇસક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતાં તેમનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. એકસાથે ત્રણ બાળકીનાં મોતની ઘટના બનતાં આરોગ્ય વિભાગ પણ દોડતો થયો છે. ત્રણેય બાળકીનાં મોત આઈસક્રીમ ખાધા બાદ થયાં છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયાં છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્રણેય બાળકીનાં મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે.મળતી માહિતી મુજબ, સુરતના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકીએ આઈસક્રીમ ખાધા બાદ તાપણું પણ કર્યું હતું. ત્યાર બાદ ત્રણેયની તબિયત લથડી હતી અને તેમનાં મોત થયાં છે. તેમનાં મોત આઇસક્રીમ ખાવાથી કે તાપણાનો ધુમાડો લાગતાં થયાં છે કે પછી અન્ય કોઈ કારણોસર થયાં છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટમાં એનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.
તાપણું કરતી સમયે ચક્કર આવ્યા બાદ ઊલટીઓ થવા લાગી – શિલા
આ દુર્ઘટના સમયે શિલા નામની એક બાળકી પણ હાજર હતી, જેનો ચમત્કારિક બચાવ થયો છે. તેણે કહ્યું હતું કે હું, મારી બહેનો અને અન્ય બે છોકરીએ તાપણું કરી રહ્યાં હતાં. જે બે છોકરી આવી હતી તે આઈસક્રીમ ખાતાં ખાતાં આવી હતી. અમને ઠંડી લાગી રહી હોવાથી તાપણું કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક ચક્કર આવવા લાગ્યાં હતાં અને બાદમાં ઊલટીઓ થવા લાગતાં અમે દોડીને ઘરે ચાલ્યાં ગયાં હતાં.