ગુજરાતમાં હૃદયને લગતી સમસ્યાના કેસમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે. ઓક્ટોબર-નવેમ્બર એમ બે મહિનામાં હૃદયને લગતી ઈમરજન્સીના 14701 કેસ નોંધાયા છે. આમ આ બે મહિનામાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના પ્રતિ કલાકે 10 કેસ સામે આવ્યા છે. ગત વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 14 ટકા જેટલો વધારો થયો છે.
વર્ષ 2024માં હૃદયને લગતી સમસ્યાના કેસમાં વધારો :
ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હૃદયને લઈને સમસ્યામાં ઈમરજન્સીના ઓક્ટોબર 2023માં 6763 કેસ, જ્યારે ઓક્ટોબર 2024માં 7722 કેસ નોંધાયા હતા. આમ ગત વર્ષના ઓક્ટોબર કરતાં ઈમરજન્સીમાં 14.18 ટકાનો વધારો થયો છે. આ જ રીતે નવેમ્બર 2024માં 6979 અને નવેમ્બર 2023માં 6254 કેસ સામે આવ્યા હતા. ગત વર્ષના નવેમ્બર કરતાં આ વખતે ઈમરજન્સીના કેસમાં 12.94 ટકા જેટલો વધારો થયો છે. આ બે મહિનાના આધારે જોવામાં આવે તો ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 241 લોકોને હૃદયની ઈમરજન્સીને કારણે 108 સેવાની મદદ લેવી પડી છે.ગુજરાતમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 30 ટકા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. અમદાવાદમાં વર્ષ 2023 ઓક્ટોબરમાં 1987 કેસ, જ્યારે વર્ષ 2024 ઓક્ટોબરમાં 2235 કેસ નોંધાયા હતા. ગત વર્ષના ઓક્ટોબર કરતાં અમદાવાદમાં હૃદયની ઈમરજન્સીના કેસ 12.48 ટકા વધ્યા છે. નવેમ્બર 2023માં 1718 કેસ સામે નવેમ્બર 2024માં હૃદયની ઈમરજન્સીના 1920 કેસ નોંધાયા હતા. બે મહિનામાં અમદાવાદમા હૃદયની ઈમરજન્સીના 4155 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી 77427 વ્યક્તિને હૃદયને લગતી ઈમરજન્સીની સારવાર લેવી પડી છે. જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષે 72573 કોલ આવ્યા હતા. આમ, હજુ ડિસેમ્બર મહિનો બાકી છે ત્યાં જ ગત વર્ષ કરતાં હૃદયની ઈમરજન્સીના કેસમાં વધારો થયો છે.