ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને પગલે ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. ગત રાત્રિના 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 5.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે. ગત રાત્રિના નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અન્યત્ર જ્યાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં દાહોદ, નર્મદા, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, ડીસાનો સમાવેશ થાય છે. રાજકોટમાં 8.3 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો.છેલ્લા ચાર દિવસથી રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહ્યું છે. ગુરૂવારે (નવમી જાન્યુઆરી) રાજકોટનું સરેરાશ મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી હતું. રાજકોટના સરેરાશ મહત્તમ અને સરેરાશ લઘુતમ તાપમાનમાં 24 ડિગ્રી જેવો તફાવત હતો. ગાંધીનગરમાં 9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી નીચું નોંધાયું હતું. રાજકોટ અને ગાંધીનગરમાં આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદમાં 12.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ગુરૂવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાતોને મતે આગામી 17મી સુધી અમદાવાદનું તાપમાન 14થી 17 ડિગ્રી વચ્ચે રહી શકે છે.