સુરતના પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના ડાયમંડમાંથી અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ તૈયાર કરી છે, જે ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે. આ ડાયમંડ તૈયાર કરવા માટે રત્નકલાકારોને 60 દિવસ સમય લાગ્યો હતો. આ ડાયમંડ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.ડાયમંડ તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે કહ્યું કે, ‘સુરત હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે. આ ડાયમંડ અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે બનાવવામાં આવ્યો છે. તેમની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે.’નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાઈમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.