![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/10-3-1024x768.jpg)
ગણપત યુનિવર્સિટીએ ‘SHINE’ (સ્કીલ હાર્મોનાઇઝેશન ફોર ઇનોવેટિવ ન્યુ એરા) અંતર્ગત બિનશૈક્ષણિક કર્મચારીગણના તાલીમ કાર્યક્રમની પહેલના ભાગ સ્વરૂપે અભિસ્થાપન સમારોહનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય ગણપત યુનિવર્સિટીના તમામ બિનશૈક્ષણિક કર્મચારીઓને અસરકારક ઓફિસ કમ્યુનિકેશન સાથે સુસજ્જ કરવાનો છે.૦૮ ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં યુનિવર્સિટીના વરિષ્ઠ પદાધિકારીઓની સવિશેષ હાજરી જોવા મળી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશ પટેલ, ટ્રેઈનીંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રેક્ટિસ અને ડેવલપમેન્ટ પ્રો. ડૉ. શિતલ બાદશાહ, હ્યુમેનીટી અને સાયન્સ વિભાગના વડા ડો. ઉન્નત પટેલ તથા અમદાવાદના જાણીતા કોમ્યુનિકેશન ટ્રેઈનર શ્રીમતી દિપ્તી શાહની પણ વિશેષ હાજરી હતી.ડૉ. ઉન્નત પટેલે તેમનું સ્વાગત પ્રવચન રજૂ કર્યું, ખાસ કરીને બિનશૈક્ષણિક કર્મચારીઓને વિનંતી કરી કે, “તેઓ પોતાના ઉત્થાન માટે મજબૂત પ્રયાસો કરે કારણકે જયારે યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે તેવા સમયે કે તેઓ પણ આ દોડમાં પાછળ ન રહે અને સ્વ-વિકાસ માટે સભાનપણે શક્ય પ્રયત્નો કરે, તેમનો સમય આ અમુલ્ય તાલીમ માટે સકારાત્મક રીતે ફાળવે.”પ્રાસંગિક પ્રવચનમાં શ્રીમતી દિપ્તી શાહે આ અદ્ભુત પહેલ માટે યુનિવર્સિટીના પદાધિકારીઓ અને નેતૃત્વને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, “અત્યંત વ્યસ્ત સમયપત્રક હોવા છતાં, બિનશૈક્ષણિક કર્મચારીઓએ આ તાલીમનું મહત્વ સમજવું પડશે કેમકે ઓફિસ કોમ્યુનિકેશન કૌશલ્ય અત્યંત ઉપયોગી છે.” તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે માનવી જે કંઈ પણ કલ્પના કરી શકે છે, સ્વીકારી શકે છે, તે આબેહૂબ કલ્પના સાકાર પણ કરી શકે છે. બિનશૈક્ષણિક કર્મચારીઓને સંબોધતા યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા તેમના સરળ સ્વભાવે ભાવુક વિનંતી કરી અને કર્મચારીઓને માનવ સંસાધન વિભાગ દ્વારા આવા કર્મચારીગણની ઉન્નતિ અર્થે રચાયેલ આ પરિવર્તન-પહેલની ગંભીરતા સમજવા કહ્યું હતું. તેમણે એક ચીની કહેવતને ટાંકીને કહ્યું કે, “હજાર માઈલની સફર એક ડગલાથી શરૂ થાય છે” અને આગળ ઉમેર્યું કે, “જેમ એક ખેલાડી પોતાની રમંતનો નિયમિત અભ્યાસ કરે છે તેમ વિકાસની દિશામાં સતત પ્રયત્નો કરવાનું ચાલુ રાખવા.” આ પ્રસંગે એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ. ગિરીશ પટેલ ખૂબ આશાવાદી જણાતા હતા કે આ પ્રયત્ન આવનાર સમયમાં ઇચ્છિત ફળ આપશે. કાર્યક્રમના સંચાલિકા તથા હ્યુમેનીટી અને સાયન્સ વિભાગના ડો. ઉષા કૌશિકે આભારદર્શન સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.