
દેશની ટોચની નોડલ ટ્રેડ સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ COA ચૂંટણી 2024ની પૂર્ણાહુતિ બાદ કિરીટ ભણસાળીની ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, વાઈસ ચેરમેન તરીકે શૌનક પરીખની જાહેરાત કરાઈ છે તથા નવી વહીવટી સમિતિ (સીઓએ)ની રચનાની જાહેરાત કરી છે.જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું કે, “અમારું વિઝન વ્યૂહાત્મક પહેલ, નવીન પ્રોજેક્ટ્સ અને સહયોગાત્મક પ્રયાસો દ્વારા ભારતના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે પરિવર્તનકારક વૃદ્ધિને આગળ ધપાવવાનું છે. મુંબઈમાં ઈન્ડિયા જ્વેલરી પાર્ક અને જયપુરમાં જેમ બુર્સ જેવા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સને આગળ વધારવાથી લઈને સાઉદી અરેબિયામાં સાઉદીજેક્સ અને આઈજેઈએક્સ દુબઈ જેવી પહેલો મારફત અમારી વૈશ્વિક હાજરીને વિસ્તારવા સુધી અમારો લક્ષ્ય ભારતને ટેક્નોલોજી, ડિઝાઇન અને ઉત્પાદનમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાન આપવાનું છે. અમે સાથે મળીને 2047 સુધીમાં 100 અબજ ડોલરના મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પ્રયત્ન કરીશું જે અમારા માનનીય વડાપ્રધાનના વિકસીત ભારતના વિઝનને અનુરૂપ છે.”ભણસાળીએ વધુમાં ઉમેર્યું કે “અમારું લક્ષ્ય ભારતના વૈશ્વિક નેતૃત્વને ટકાવી રાખવાનું, સ્થાનિક બજારની સંભાવનાઓનો લાભ લેવાનું અને અમારા કારીગરોને સમર્થન ચાલુ રાખીને સાનુકૂળ નીતિઓની હિમાયત કરવાનો છે. આ ક્ષેત્રમાં નિકાસને વેગ આપવા અને ભારતના આર્થિક વિકાસને ટેકો આપવા માટે જીજેઈપીસીએ તેમના કદ, સંભાવના અને વ્યૂહાત્મક સ્થાનના આધારે 17 મુખ્ય ક્લસ્ટરોની ઓળખ કરી છે જેને અમે સમૃદ્ધ એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવા માગીએ છીએ.”જીજેઈપીસીના વાઇસ ચેરમેન શૌનક પરીખે જણાવ્યું કે, “મને આ જવાબદારી સોંપવા અને જેમ અને જ્વેલરી સેક્ટરના વિકાસ અને સફળતામાં યોગદાન આપવાની તક આપવા બદલ હું ઉદ્યોગના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઈન્ડસ્ટ્રી માટે આ નિર્ણાયક સમય છે અને આપણી સામેના પડકારો માટે બોલ્ડ વિઝન અને નિર્ણાયક પગલાં જરૂરી છે. આપણી ઈન્ડસ્ટ્રી વિશ્વના મંચ પર સ્પર્ધાત્મક રહે તે માટે તમામ વર્ટિકલ્સમાં કેટેગરીના પ્રમોશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કૌશલ્ય વૃદ્ધિ અને વૈશ્વિક ધોરણોને અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. કાઉન્સિલ સરકારને નિકટથી સહયોગ કરવાનું ચાલુ રાખશે જેથી એવી નીતિઓ ઘડવામાં આવે જે માત્ર ગ્રોથને ટેકો આપે એટલું જ નહીં, સતત વિકસતા વૈશ્વિક બજારમાં નિકાસકારોની મહત્ત્વની ચિંતાઓને પણ દૂર કરે.”કિરીટ એ. ભણસાળી એ ભારતીય ડાયમંડ અને ઝવેરાત ઉદ્યોગમાં જાણીતી વ્યક્તિ છે. તેઓ મુંબઈ સ્થિત એક અગ્રણી ડાયમંડ ઉત્પાદક કંપની સ્મિતલ જેમ્સમાં પાર્ટનર છે. આ ક્ષેત્રમાં તેમના બહોળા અનુભવની સાથે તેમણે ભારતીય જેમ અને ઝવેરાત ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં અને વિકાસ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તેઓ ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ (આઈજેપીએમ)ના અધ્યક્ષ છે અને ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)ના સમિતિના સભ્ય છે. ભૂતકાળમાં તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (IIGJ)ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. પોતાની બિઝનેસ પ્રવૃત્તિઓ ઉપરાંત ભણસાળી વિવિધ સામાજિક-રાજકીય અને શૈક્ષણિક પહેલોમાં સક્રિયપણે સામેલ છે. પોતાના નેતૃત્વ અને દ્રષ્ટિ દ્વારા ભણસાળીએ ભારતીય ડાયમંડ અને ઝવેરાત ઉદ્યોગના વિકાસ અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી શૌનક જીતેન્દ્ર પરીખ ત્રીજી પેઢીના ઉદ્યોગસાહસિક છે અને તેઓ મહેન્દ્ર બ્રધર્સ ગ્રૂપ ઓફ કંપનીઝના ડિરેક્ટરો પૈકી એક છે, જેઓ ડાયમંડ અને હીરાના ઘરેણાંના ઉત્પાદન અને માર્કેટિંગનો બિઝનેસ કરે છે. પરીખે મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઓફ કોમર્સની ડિગ્રી મેળવી છે અને ઉદ્યોગમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. એક દાયકાથી વધુ સમય સુધી ડાયમંડ જ્વેલરીના ઉત્પાદન અને માર્કેટિંગની સફળતાપૂર્વક કામગીરી કર્યા પછી લગભગ 15 વર્ષ પહેલાં ગ્રૂપના ફાઈનાન્સની જવાબદારી સંભાળી હતી. સાથે સાથે તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી કોર્પોરેટ ફાઇનાન્સમાં એક્ઝિક્યુટિવ ડિપ્લોમા કર્યો છે. તેઓ મળતાવડી વ્યક્તિ છે જેઓ સર્જનાત્મકતાની સાથે સાથે કંપનીના એકંદર બિઝનેસને ચલાવવા, ગ્રૂપના વ્યૂહાત્મક આયોજન અને નિર્ણય લેવામાં, જૂથના ફાઈનાન્સ વ્યવસ્થાપન અને નવા વ્યવસાયની તકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શૌનક પરીખ અગાઉ જીજેઈપીસીમાં અનેક મુખ્ય હોદ્દા સંભાળી ચુક્યા છે, જેમાં બેંકિંગ, ઈન્શ્યોરન્સ અને ટેક્સેશન કમિટીના કન્વિનર તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોના કન્વિનર તરીકે સેવા આપી છે.