
અમદાવાદ રાજકોટ હાઇવે પર માલિયાસણ ગામ નજીક ગઈકાલે એક અત્યંત દુઃખદ અકસ્માત થવા પામ્યો હતો અને તેમાં છ લોકોના કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર અને નવાગામનો એક પરિવાર સામાજિક પ્રસંગે ચોટીલા જવા રીક્ષા લઈને નીકળ્યો હતો અને તેમાં એક પરિવારના સભ્યો મુસાફરી કરતા હતા. આ રીક્ષા જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક પહોંચી ત્યારે રોંગ સાઈડમાં આવતા એક ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૬ લોકોનાં કરુણ મોત નિપજયા હતાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે. મૃત્યુ પામેલાઓમાં આઠ માસની બાળકીનો પણ સમાવેશ થાય છે. પૂજ્ય મોરારીબાપુએ આ અત્યંત હૃદય દ્રાવક ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે રૂપિયા 90,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.