
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ રાજકોટ અને ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સંસદીય મતવિસ્તારના માનનીય સાંસદો સાથે રાજકોટમાં બેઠક યોજી હતી. સૌ પ્રથમ, જનરલ મેનેજર શ્રી મિશ્રએ સાંસદોનું સ્વાગત કર્યું અને તેમને રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં નવીનતમ યાત્રી સુવિધાઓ અને સિદ્ધિઓ વિશે માહિતી આપી. બેઠક દરમિયાન, માનનીય સાંસદોએ તેમના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, પ્રોજેક્ટ્સ, ટ્રેન સ્ટોપેજ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોનું વિસ્તરણ, ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવા અને માળખાગત પ્રોજેક્ટ્સ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને મૂલ્યવાન સૂચનો આપ્યા. આ બેઠકમાં રાજકોટ અને ભાવનગર વિભાગીય ક્ષેત્રાધિકારના કુલ ૫ માનનીય સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રી રાજેશભાઈ ચુડાસમા અને શ્રી ભરતભાઈ સુતરિયાનો સમાવેશ થતો હતો. માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ અને માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વની કુમાર, ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવિશ કુમાર અને પશ્ચિમ રેલ્વેના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી જનરલ મેનેજર (જનરલ) શ્રી ઉજ્જવલ દેવ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, જનરલ મેનેજર શ્રી મિશ્રએ માનનીય સાંસદોને હાલમાં ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કર્યા અને કહ્યું કે પશ્ચિમ રેલ્વે હંમેશા તેના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ મુસાફરોની સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. માનનીય સાંસદોએ પણ પોતાની માંગણીઓ રજૂ કરી અને આ મંડળોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સકારાત્મક પ્રગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો.