
મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન છત્રછાયામાં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસના શુભહસ્તે, શાસ્ત્રીય સંગીત આધારીત જૈન પ્રાચીન ભક્તિગીતોના મહાગ્રંથ ‘રાગોપનિષદ્’ અને તેના મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંદેશો આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘‘ભારતમાં સદીઓથી સંગીતની આગવી પરંપરા રહી છે. શાસ્ત્રીય રાગ, સંગીતના જ્ઞાન અને કાવ્ય સર્જન દ્વારા ભક્ત કવિઓએ અવિસ્મરણીય પદ્ય સાહિત્યની રચના કરી છે. પૂર્વ મુનિવરો વિરચિત અને આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સંપાદિત વિવિધ રાગમાલાઓનો સંચય ‘રાગોપનિષદ્’ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો. ગ્રંથમાં શાસ્ત્રીય રાગ – રાગિણી વિષે ઊંડી જાણકારી, વાદ્યોનો સચિત્ર પરિચય, પ્રાચીન હસ્તપ્રતમાંના રાગચિત્રો અને રાગના વિસ્તૃત પરિચય માટે મધ્યકાલીન ભાષાના પદોની ઉદાહરણ તરીકે સમજૂતી વડે સમૃદ્ધ અને મૂલ્યવાન બન્યો છે. ગહન અભ્યાસ અને સંશોધનના આધારે સંપાદિત આ ગ્રંથ સૌ કોઈ સંગીતપ્રેમી માટે સંભારણું બની રહેશે.’’ આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ ખાતાના યુવાન રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ ગ્રંથમાં વિવિધ કવિઓની ૯૫૮ રચનાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પ્રાચીન હસ્તપ્રતોના આધારે લગભગ વિલુપ્ત થઈ ગયેલા ૧૨૬ શાસ્ત્રીય રાગો પણ ખોળી કાઢવામાં આવ્યા છે, જેમાંના કેટલાક રાગો તો આજથી ૨,૫૦૦ વર્ષ પહેલાં પ્રચલિત હતા. આ રાગમાલામાં વિવિધ રાગોના ૯૦ જેટલા રંગીન ચિત્રો પણ સામેલ કરવામાં આવ્યા છે. તદુપરાંત તેમાં પ્રાચીન કાળથી વપરાતા સંગીતનાં ૧૫૦ સાધનોનો સચિત્ર પરિચય અપાયો છે.આ પ્રસંગે ઉપસ્થિત ‘રાગોપનિષદ્’ ના સંપાદક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મંગલાચરણ કરતાં ફરમાવ્યું હતું કે ‘‘પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈને માલકૌંસ રાગમાં દેશના દેતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત માનવોનાં પથ્થર જેવાં હૃદય પણ પીગળી જતાં અને તેમની આંખોમાંથી આંસુંની ધાર વહેવા લાગતી હતી, તેવી તાકાત રાગની અને સંગીતની છે.’’આચાર્ય ભગવંતે જણાવ્યું હતું કે ઈશ તત્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાન, ક્રિયા, ધ્યાન અને ભક્તિ જેવા અનેક યોગનું ધર્મશાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના સત્, ચિત્ અને આનંદ સ્વરૂપને પ્રગટ કરવામાં શાસ્ત્રીય સંગીત અને ભક્તિયોગ અસરકારક ભૂમિકા ભજવે છે. આજના વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે સંગીત દ્વારા કેન્સર જેવા ઘણા અસાધ્ય રોગોની સારવાર કરી શકાય છે. સંગીતની અસર માત્ર માનવોને જ નહીં પણ પશુપંખીઓ અને વનસ્પતિ ઉપર પણ થાય છે. સંગીતસમ્રાટ તાનસેન જ્યારે ગાતો હતો ત્યારે ઉદ્યાનમાં રહેલી કળીઓ ખીલીને ફૂલ બની જતી હતી. તાનસેન જ્યારે તોડી રાગ ગાતો ત્યારે જંગલમાં રહેતાં હરણ ખેંચાઈને ત્યાં આવી જતાં હતાં. આ સંગીત આલ્બમના નિર્માણમાં શાસ્ત્રીય સંગીતના નિષ્ણાત ડો. ભરત બલવલ્લી દ્વારા જે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે તે અનુમોદનીય છે. અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય દ્વારા ‘રાગોપનિષદ્’ ગ્રંથનો સમાવેશ પાઠ્યક્રમમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અંતમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે ‘‘પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજા સાહેબના આશીર્વાદથી જ અમારું આ કાર્ય સફળ થયું છે. ’’ આ પ્રસંગે ૬ આચાર્ય ભગવંતો અને ૧૦૦ જેટલા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિ રહી હતી.મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસે ‘રાગોપનિષદ્’નું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે ‘‘મારા માટે હર્ષની વાત છે કે મને એવા ગ્રંથનું અને મ્યુઝિક આલબમનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જેમાં ભારતના સંગીત શાસ્ત્રમાં જે પ્રાચીન રાગો વિલુપ્ત થઈ ગયા હતા તેને પુનર્જીવિત કરવામાં આવ્યા છે. ભારતમાં શાસ્ત્રીય સંગીતનો જન્મ સામવેદથી થયો હતો. સામવેદની ઋચાઓ શાસ્ત્રીય રાગોમાં ઢાળી શકાય તેવી રીતે રચવામાં આવી હતી.’’દેવેન્દ્ર ફડનવિસે કહ્યું હતું કે ‘‘નેતાઓ જે રાજનીતિ કરે છે અને સંગીતકારો જે રાગનીતિ કરે છે, તે બંનેનો હેતુ પ્રજાનું કલ્યાણ કરવાનો હોય છે. સંગીતમાં શરીરના તથા મનના રોગોની સારવાર કરવાની શક્તિ છે. તમે યમન કલ્યાણ રાગ ગાઓ છો, અમે જનકલ્યાણ કરીએ છીએ. રાગોપનિષદ્ રાગના ક્ષેત્રમાં નવું જ ઉપનિષદ સાબિત થશે.’’આ સંગીતમય પ્રયાસ પાછળ વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત ભલવલ્લી છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. રાગોપનિષદ સંગીતમય આલ્બમમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયકોને રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઉસ્તાદ રાશિદ ખાન, પંડિત ઉલ્હાસ કાશલકર, સુરેશ વાડકર, સોનુ નિગમ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, જાવેદ અલી, કૌશિકી ચક્રવર્તી, ડૉ. અશ્વિની ભીડે, પંડિત વેંકટેશ કુમાર, પંડિત શૌનક અભિષેકી, પંડિત રઘુનંદન પાંશીકર, પંડિત રામ દેશપડિ, ઓસ્માન મીર, ફાલ્ગુની પાઠક, રાહુલ દેશપાંડે, દેવકી પંડિત, પંડિત જયતીર્થ મેવુન્દી, આરતી અંકલીકર, પંડિત આનંદ ભાટે અને પંડિત સંજીવ અભ્યંકરનો સમાવેશ થાય છે.રાગોપનિષદ્નું લોકાર્પણ કરવા માટે તાજેતરમાં યોજાયેલી સંગીત સંધ્યામાં ડો. ભરત બલવલ્લી ઉપરાંત પદ્મશ્રી ગાયિકા અશ્વિની ભીડે જોષી, પંડિત આનંદ ભાટે, પંડિત જયતીર્થ મેવુન્દી, શ્રીમતી મંજુશ્રી પાટિલ અને અમિત પાધ્યે દ્વારા ઉપસ્થિત સંગીતપ્રેમીઓને ભક્તિરસમાં તરબોળ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસ દ્વારા ડો. ભરત બલવલ્લીને ‘નાદદેવ પરમહંસ’ ની ઉપાધિની નવાજેશ કરવામાં આવી હતી.