
લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ રહ્યો હતો. એવામાં ગોર મહારાજ બોલ્યા “કન્યા પધરાવો સાવધાન” ગોર મહારાજનો સાદ સાંભળીને ધીમે પગલે કન્યા મંડપ તરફ આગળ વધી. મંડપ પાસે પહોચ્યા ત્યાં તો હાર્ડ એટેક આવતા જ કન્યા જમીન પર ઢળી પડી ને તેનું મૃત્યુ થયું.મંડપમાં બેઠેલ વરરાજાના આંખમાં આંસુ જાણે કહી રહ્યા હોય. હું કેવો અભાગીયો કે મારી પત્ની બને તે પહેલા જ તેનું મોત. હવે તો જાન પાછી જશે. વરરાજાનો બાપ વેવાઈ પાસે જઈને કહ્યું.વેવાઈ ખુશીનો આજનો દિવસ માતમમાં છવાઇ ગયો અમે જાન લઈને પાછા જઈએ છીએ.રડતી આંખોએ દીકરીનો બાપ બોલ્યો. ઊભા રહો વેવાઈ આમ જાન પાછી જશે તો અમારી આબરૂ જશે. દીકરીનું મોત કુદરતી હતું પણ હું તમને જાન પાછી નહીં જવા દવ. આટલું કહીને દીકરીનો બાપ તેમની નાની દીકરી પાસે જઈને બોલ્યો.બેટી જાન પાછી જશે તો આપણી આબરૂ જશે. લોકો વાતું કરશે. આજે મારી આબરૂ તારા હાથમાં છે દીકરી.નાની દીકરી બાપની વાત સમજી ગઈ. બાપુજી આ માંડવે મારા લગ્ન કરાવવા માંગે છે. પણ એ વિચારી રહી હતી કે મારી મોટી બહેનની લાશ માંડવા પાસે પડી હોય તો મારાથી લગ્નના ચાર ફેરા કેમ ફરાય.!આજ સુધી પિતા સામે ક્યારેય ન બોલેલી દીકરી બોલે છે. બાપુજી કુટુંબની આબરૂ માટે હું જાન લઈને આવનાર વરરાજા સાથે લગ્ન કરવા તૈયાર છું પણ મોટી બહેનનું અત્યારે મરણ થયું છે ને આ સમયે હું લગ્નના ચાર ફેરા ફરવા માટે મારી પાસે હિંમત નથી રહી.દીકરીનો બાપ દીકરીની વાત સમજી ગયો. દૂર ઊભેલા વેવાઈ પાસે જઈને દીકરીનો બાપ બોલ્યો.ભલે આજે મારી મોટી દીકરી હયાત નથી રહી પણ મારા ઘરે આવેલી જાન ને હું પાછી જવા નહીં દવ. મારી નાની દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરાવીશ પણ દીકરીનું બારમું પતે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.દીકરાનો બાપ બોલ્યો. વેવાઈ તમારી ખોરડાની ખાનદાનીને જાજેરી ખમ્મા પણ જાન પાછી લઈને ફરી આવીશું તો નાક અમારું કપાશે. દુઃખની ઘડીમાં આ જાન તમારે ઘરે રોકાણ કરે તે પણ સારું નહીં ને.!!દૂર ઊભેલા ગામના મુખી આગળ આવીને બોલ્યા. મને ક્ષમા કરશો પણ આજે કુટુંબની આબરૂ નહીં પણ ગામની આબરૂનો સવાલ છે એટલે જાન હું પાછી નહીં જવા દવ. જાન ને બાર દિવસ રોકાવાની જવાબદારી હું લવ છું. જાન બાર દિવસ મારે ઘેર રોકાશે.બારમું પત્યા પછી ફરી એજ માંડવે કન્યા અને વરરાજા ના લગ્ન કરાવીને એક કુટુંબે પોતાની ખાનદાની બચાવી તો ખરી પણ ખાનદાની ની મિશાલ કાયમ કરી. ધન્ય છે આવા ખાનદાની પરિવાર ને.
જીત ગજ્જર સુરત
[email protected]