
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. તો 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે અને રાજકોટમાં પણ લાંબા ગાળા બાદ કોરોનાનો કેસ નોંધાયો છે. 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેને હોમ આઇસોલેટ કરાયા છે.મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 33 કેસ એક્ટિવ છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.રાજકોટમાં પણ લાંબા ગાળા બાદ કોરોના કેસ નોંધાયો છે. ન્યૂ ઓમનગર વિસ્તારમાં 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીને હોમ આઇસોલેટ કરાયા છે.મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોના વાઇરસનો બીજો કેસ નોંધાયો છે. કલ્યાણપુરા રોડ પર દડી સર્કલ પાસે રહેતો એક યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે. તેની તબિયત લથડતાં તેને કડી શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકને તાવ અને શરદીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. ડૉક્ટરને શંકા જતાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ અંગે સ્થાનિક આરોગ્યતંત્રને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે દર્દી અને તેના ઘરની મુલાકાત લીધી છે. દર્દી તેમજ તેનાં પરિવારજનોની તબિયત હાલ સ્થિર છે. આ પહેલાં બુધવારે પણ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો.ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઇ આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.