દોહા,
મહિલા ભાલા ફેંક એથલીટ અનુ રાની અને ૫૦૦૦ મીટર રેસની રનર પારૂલ ચૌધરીએ અહીં ચાલી રહેલી ૨૩મી એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે સ્પર્ધામાં મેડલનું ખાતું ખોલ્યું હતું. ૨૦૧૪ની એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનુએ ૬૬.૨૨ મીટરનો થ્રો ફેંકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. અનુએ પોતાના પ્રથમ પ્રયાસમાં ૬૦.૨૨ મીટર થ્રો કર્યો, જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
અનુએ બીજા પ્રયાસમાં ૫૮.૮૬ મીટરનો થ્રો કર્યો હતો. તેણે આ પહેલા ભુવનેશ્વરમાં ૨૦૧૭માં યોજાયેલી એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ૫૭.૩૨ મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ચીનની હુઈહુઈ લિયૂએ ૬૫.૮૩ મીટરનો થ્રો ફેંકીને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં ભારતની શર્મિલા કુમારી ૫૪.૪૮ મીટરના થ્રોની સાથે સાતમાં નંબર પર રહી હતી. અનુ સિવાય પારૂલ ચૌધરીએ મહિલાઓની ૫૦૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને બીજા મેડલ અપાવ્યો હતો.
પારૂલે ૧૫૦ ૩૬.૦૩ના સમયની સાથે બ્રોન્ઝ જીત્યો. આ સ્પર્ધામાં કેન્યાની વિન્ફ્રેડ મુટિલે યાવીએ ગોલ્ડ અને બહરીનની બોંટૂ રેબિટૂએ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની સંજીવની જાધવ આ સ્પર્ધામાં ચોથા નંબર પર રહી હતી. આ પહેલા દુતી ચંદે મહિલાઓની ૧૦૦ મીટર દોડમાં પોતાનો જ પાછલો રેકોર્ડ તોડીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.