(જી.એન.એસ.)જયપુર,તા.૨૬
આઈપીએલ સીઝન-૧૨માં રાજસ્થાન રાયલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આંજિક્ય રહાણેની કેપ્ટનશિપમાં આ સીઝનમાં રાજસ્થાનની ટીમે ૮ મેચમાંથી ૨ મેચ જ જીતી હતી, ત્યારબાદ આંજિક્ય રહાણેને કેપ્ટનશિપમાંથી હટાવીને સ્ટીવ સ્મિથને કેપ્ટનશિપ સોંપવામાં આવી, પરંતુ હવે સમાચાર છે કે ૩૦ એપ્રિલનાં રોજ સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા પરત જશે. રાજસ્થાન માટે આ મોટા ફટકા સમાન હશે. સ્ટીવ સ્મિથે ૩ મેચોમાંથી ૨ મેચોમાં જીત અપાવી છે. ગુરૂવારનાં કેકેઆર સામે રાજસ્થાનનો ૩ વિકેટે શાનદાર વિજય થયો.
મેચ બાદ સ્મિથે કહ્યું કે, “હું અહીં ૧૩ મેચો માટે છું, ત્યારબાદ વિશ્વ કપની તૈયારી માટે સ્વદેશ પરત ફરીશ, પરંતુ જ્યાં સુધી છું, ટીમ માટે જે પણ કરવા માટે સક્ષમ છું કરવાનો પ્રયાસ કરીશ.” ઉલ્લેખનીય છે કે ગુરૂવારનાં આઈપીએલ સીઝન-૧૨નો ૪૩મો મુકાબલો રાજસ્થાન રાયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાશે. આ મેચમાં કોલકાતાને એકવાર ફરી હારનો સામનો કરવો પડ્યો. કોલકાતાનો સતત છઠ્ઠો પરાજય થયો. કોલકાતાનાં કેપ્ટન દિનેશ કાર્તિકે આ દરમિયાન શાનદાર બેટિંગ કરતા ૯૭ રન બનાવ્યા હતા. આ ઇનિંગ દ્વારા કાર્તિકે આઈપીએલમાં પોતાનો બેસ્ટ સ્કોર પણ બનાવ્યો.