નવી દિલ્હી, તા. ૩૦
સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા ચૂંટણી આચારસંહિતા ભંગ કરવામાં આવી હોવાના આક્ષેપને લઇને કોંગ્રેસ સાંસદ દ્વારા કરવામાં આવેલી અરજી ઉપર ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. તેમના ઉશ્કેરણીજનક ભાષણોને લઇને આચારસંહિતા ભંગનો આક્ષેપ મોદી અને શાહ ઉપર કરવામાં આવ્યો છે. રાજકીય દ્વેષભાવ માટે સક્ષમ દળોનો ઉપયોગ કરવાનો આક્ષેપ પણ આ બંને નેતાઓ ઉપર કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, ચૂંટણી પેનલ કોંગ્રેસના લોકસભા સાંસદ સુષ્મિતા દેવની ફરિયાદ ઉપર કોઇપણ આદેશ કરવા માટે સ્વતંત્ર છે. આસામમાં સિલ્ચરમાંથી કોંગ્રેસના લોકસભા સાંસદ સુષ્મિતા દેવ તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરફથી પણ આવી ફરિયાદ કરવામાં આવી હતી. જસતીસ એસકે કોલ અને જસ્ટીસ કેએમ જાસેફની બનેલી બેંચે આ મામલાની સુનાવણી ગુરુવાર સુધી મોકૂફ કરી હતી. હવે ગુરુવારના દિવસે આ સમગ્ર મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. દેવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપના ટોપના નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ઉદાસીન વલણ અપનાવવામાં આવે છે. ભાજપના નેતાઓને લઇને પક્ષપાતી વલણ ચૂંટણી પંચ તરફથી અપનાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાની અખંડતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ અરજીમાં તેમની બેઠકમાં મોદી અને અમિત શાહ દ્વારા ચૂંટણી આચારસંહિતા ભંગના શ્રેણીબદ્ધ દાખલા ટાંકવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના વર્ધામાં ચૂંટણી સભામાં મોદીએ આચારસંહિતા ભંગ કરી હતી જ્યા મોદીએ ભગવા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલામાં હવે ચૂંટણી પંચ પાસેથી જવાબની માંગ કરાઈ છે.