૩૦મી સપ્ટેમ્બર સુધી તબીબો, નર્સ અને હેલ્થ સેક્ટરના તમામ કર્મચારીઓની રજા રદ થઇ : સાવચેતીના પગલા
ગુવાહાટી, તા. ૭
આસામના કોકરાઝારને બાદ કરતા આસામના તમામ જિલ્લા હાલમાં જીવલેણ જાપાની ઇન્સેફલાઇટિસ (જેઇ) નામના તાવના સકંજામાં આવી ગયા છે જેના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. આ રોગના કારણે હજુ સુધી ૫૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સ્થતિની ગંભીરતાને જાતા રાજ્ય સરકારે તબીબોની રજાઓને રદ કરી દીધી છે. સાથે સાથે આ બિમારીનો ઉકેલ લાવવા માટે પ્રયાસો પણ તીવ્ર બનાવી દેવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે ૩૦મી સપ્ટેમ્બર સુધી તમામ તબીબો, નર્સ અને હેલ્થ સેક્ટરના બીજા કર્મચારીઓની રજા રદ કરી દેવા માટે જાહેરનામુ જારી કરી દીધી છે. તમામ ડેપ્યુટી કમિશનરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પંચાયત અને શહેરી યુનિટોની સાથે જેઇના મામલામાં સહકાર કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. શર્માનું કહેવું છે કે, જેઈ માટે આસામ આ સમયે ઇન્ફેક્શનના ગાળામાંથી પસાર થઇ રહ્યું છે. પાંચમી જુલાઈ સુધી જેઈના કુલ ૧૦૯ મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે જે પૈકી ૪૯ના મોત થઇ ગયા છે. વર્તમાન હવામાનમાં બિમારી ફેલાવવા માટેની અનુકુળ સ્થતિ રહેલી છે. કારણ કે હાલમાં ભારે વરસાદ થાય છે. જાણકાર લોકોનું કહેવું છે કે, બિમારીને ધ્યાનમાં લઇને ૧૨.૮ લાખ બ્લડ સ્લાઇડ મારફતે સેમ્પલ એકત્રિત કરવામાં આવી ચુક્યા છે. જેઇથી અસરગ્રસ્ત એવા ૧૦૯૪ ગામોમાં ફોગિંગની પ્રક્રિયા ચાલી રહી છે. મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પટલમાં સારવાર માટેના ખર્ચ રાજ્ય સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહ્યા છે. આસામમાં સ્થતિ હજુ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મંત્રીનું કહેવું છે કે, નિયમિત રસીકરણ મારફતે જેઇ ઉપર અંકુશ મુકવા માટે વર્ષ ૨૦૧૭માં જે રીતે ૨૦ જિલ્લાઓમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેવી જ રીતે ફરીથી અભિયાન ચાલવવામાં આવશે.