બાળકો પાસે ભીખ માંગવાનું મોટુ કૌભાંડનો અંતે પર્દાફાશ

0
40

અમદાવાદ, તા.૧૨
શહેરના વટવા વિસ્તારમાંથી બાળકો પાસેથી ભીખ માંગવાનું એક મોટુ કૌભાંડ ઝડપાયું છે. મહિલા ક્રાઇમ બ્રાંચે વટવાના એક મકાનમાં દરોડા પાડી પાંચ છોકરા અને ૧૨ છોકરીઓ મળી કુલ ૧૭ બાળકોને મુકત કરાવ્યા હતા અને ઘટનાસ્થળે આ કૌભાંડમાં સંડોવાયેલી મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં અને મુકત કરાવાયેલા બાળકો પાસેથી એવી ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી કે, ભીખ મંગાવતી ટોળકીના આરોપીઓ દ્વારા બાળકો પર ભીખ માંગવા માટે મજબૂર કરી ભારે અત્યાચાર કરવામાં આવતો હતો અને જા કોઇ બાળક પૈસા ના લાવે અથવા કામ ના કરે તો, તેને ખૂબ માર મારવામાં આવતો હતો, જે જાઇ બીજા બાળકો ડરી જતા હતા. દસ વર્ષની એક બાળકીની આંખમાં તો મરચું પણ નાંખવામાં આવ્યું હતું. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં આરોપી આનંદી અહાનંદ સલાટ અને તેના સાગરિત સંપત સલીમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ દરમ્યાન દરેક બાળકોના શરીર ઉપરથી કંઈકને મારના અથવા દાઝેલાના નિશાન પણ મળી આવતાં લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બાળકો પોલીસ સામે કંઈ બોલી ન શકે તે માટે આરોપીઓ તમામ બાળકોને પોલીસ માર મારશે તેમ કહી ડરાવતા હતા. આ રેકેટમાં હજુ ઘણા લોકોની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાનું મોટું રેકેટ અને ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારે એફિડેવિટ કરી તેમને છોડાવવામાં આવ્યા હતા. શહેરમાં અલગ અલગ જગ્યાએ નાના બાળકો અને સગીર પાસે ચોરીના બનાવો બનતા હોય છે. ૯ મહિના અગાઉ વટવા પોલીસે ચોરીના ગુનામાં બે સગીરાઓની ધરપકડ કરી હતી. બંને સગીરાના કાઉન્સેલીંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, વટવા વિસ્તારમાં તેઓની પાસે આનંદી સલાટ નામની મહિલા ચોરી અને ભીખ મંગાવતી હતી. અનેક બાળકોને તે ભીખ માંગવા મોકલે છે અને મજૂરી કરાવે છે. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વટવામાં આવેલા માનવનગર સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્‌યો હતો. જેમાં ૮ મહિનાથી લઈ ૨૦ વર્ષ સુધીના ૧૭ બાળકો મળી આવ્યા હતા. મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જાસેફે આ બાળકો આરોપીના પરિવારના છે કે, અન્ય કોઇ પરિવારોના પણ છે તેમ જ તેઓની તપાસ કરવા માટે બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે એમ જણાવ્યું હતું. વટવા પિકનિક હાઉસ પાસે આવેલી માનવનગર સોસાયટીના મકાનમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો રેડ કરવા ગઈ હતી. જેમાંથી ત્રણ ટીમોએ ઘરને ૫૦ મીટર દૂરના મેદાનમાંથી ઘેરી લીધું હતું. જ્યારે બાકીની ત્રણ ટીમોએ ઘરમાં રેડ કરી હતી ત્યારે પાંચ બાળકો સાથે આરોપી આનંદી સલાટ ઘરમાં મળી આવી હતી. પોલીસને વધુ બાળકો હોવાની ચોક્કસ માહિતી મળી હોવાથી અન્ય ટીમો મેદાનથી દૂર ઉભી હતી ત્યાં ઝાડની નીચેથી વધુ બાળકો મળ્યા હતા. જેની પૂછપરછ કરતા તે આ જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. રેડ દરમ્યાન એક બાળક ભાગી જવામાં સફળ રહ્યું હતું. પોલીસે હવે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.