અમદાવાદ,તા.૨
રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. વહીવટી તંત્ર ખડેપગે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરાની સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા મોડી સાંજે વડોદરા પહોંચી ગયા છે. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે તેમ આજે ગાંધીનગર ખાતે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડા. જેએન સિંઘે જણાવ્યું હતું. મુખ્ય સચિવ ડા. જેએન સિંઘે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે રાહત કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે, એનડીઆરએફની ૧૧ અને એસડીઆરએફની ૫ ટીમ યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં કરી રહી છે. અત્યારસુધીમાં ૭,૦૦૦ લોકોનું રેસ્કયૂ તેમજ ૪,૦૧૯થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં ૮૪૦ ગર્ભવતી મહિલાઓને સલામત રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરમાં વીજળી ઉપલબ્ધ કરાવવા માટેના તમામ ૪૮ ફિડર પુઃન કાર્યરત કરવામાં આવ્યા છે. તમામ વિસ્તારોમાં પીવાનું પાણીની વિતરણ વ્યવસ્થા પુઃન શરૂ કરવામાં આવી છે. પાણીને સુપર કલોરીનેશન કરીને શુદ્ધ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ૧૦,૦૦૦થી વધુ ક્લોરિન ટેબ્લેટ અને ૪૪૧થી વધુ ઓઆરએસના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં તબીબી સહાય માટે ૯૮ આરોગ્ય ટીમ કાર્યરત છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિમાં ત્રણ દિવસ દરમિયાન આર્થિક રાહતના ભાગરૂપે કેશ ડોલ્સ રૂપે પુખ્ત વયનાઓને ૬૦ પ્રતિ વ્યક્તિ, બાળકને ૪૫ તેમજ ઘરવખરી ગુમાવનારને ૨૦૦૦નું ચુકવણું કરવામાં આવશે. જેના સર્વે માટે યુદ્ધના ધોરણે ૨૬ ટીમ કાર્યરત કરાઈ છે. તાત્કાલિક અસરથી વડોદરા શહેરમાં ૧ કરોડ ઘરવખરી માટે અને ૧ કરોડ કેશડોલ્સ માટે એમ કુલ ૨ કરોડ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૨૦ લાખની ખાસ સહાય ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદોને અત્યારસુધીમાં ૧,૬૪,૦૦૦થી વધુ ફૂડ પેકટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ ડા. સિંઘે જણાવ્યું હતું. શહેરના તમામ રોડ તેમજ પાંચ બ્રિજ પુઃન કાર્યરત કરાયા છે. વડોદરા એરપોર્ટ અને દિલ્હી-મુંબઈ રેલ્વે, નેશનલ હાઈવે તેમજ એસ.ટી. વ્યવહાર પુઃન શરૂ કરાયો છે. રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે અને એરપોર્ટ ઉપરનો ટ્રાફિક પણ પૂર્વવત થઇ ગયો છે. વડોદરા વહીવટીતંત્રની ૨૬ વિવિધિ ટિમો ખુબ માઈક્રો લેવલ ઉપર કામ કરી રહી છે અને ગટર, ગંદા અને રસ્તા ઉપરના પાણીની સફાઈ કરી રહી છે. માઇક્રો પ્લાનિંગ કરીને આગામી બે-ત્રણ દિવસ સુધી ‘સામુહિક રાત્રિ સફાઈ” કરીને શહેરને સ્વચ્છ કરી દેવામાં આવશે. વડોદરાની સ્થિતિ ઝડપભેર સામાન્ય બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મદદ લેવામાં આવી રહી છે તેમ ડા.સિંઘે જણાવ્યું હતું. રાજ્યના મુખ્ય સચિવ ડા.જેએન સિંઘે વડોદરાની સ્થિતિથી વાકેફ થવા માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સીધો જ વિડિઓ કોન્ફરસીંગ દ્વારા સંપર્ક કરી જાત માહિતી મેળવી હતી. આ બેઠકમાં વડોદરા ખાતેથી વડોદરા કલેકટર સુશ્રી શાલિની અગ્રવાલ, પોલીસ અધિક્ષક અનુપમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેવાની સાથે રાજ્ય સરકારે ખાસ નિયુકત કરેલા બે વરિષ્ઠ સનદી અધિકારીઓ ડા. વિનોદ રાવ અને લોચન સહેરાએ શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી કામગીરી અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.