અમદાવાદ,તા.૩
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. આ વર્ષે યોજાનારા ખેલ મહાકુંભમાં પાંચ નવી સ્પર્ધાઓનો સમાવેશ કરાયો છે જે સીધી રાજ્યકક્ષાએ યોજાશે. આ સ્પર્ધાઓમાં રોલબોલ, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, ઘોડેસવારી (ભાઇઓ) અને બ્રીજ સ્પર્ધા યોજાશે એમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયુ છે. ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી હાલ ચાલુ છે જે ૧૫મી ઓગસ્ટ-૨૦૧૯ સુધી ચાલુ રહેશે. રાજ્યભરમાં શાળા/ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ તા.૨૮/૦૮/૨૦૧૯ થી ૩૧/૦૮/૨૦૧૯ દરમિયાન તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૧/૯ થી ૮/૯/૧૯ દરમિયાન જિલ્લા/મહાનગર પાલિકા સ્પર્ધા તા.૦૯/૦૯/૨૦૧૯ થી ૨૦/૦૯/૨૦૧૯ દરમિયાન તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૯માં યોજવામાં આવશે. આ વર્ષે જે નવી પાંચ રમતોનો સમાવેશ કરાયો છે તેમાં રોલ-બોલ સ્પર્ધા- ભાઇઓ અને બહેનો માટે અંડર-૧૪ અને અંડર-૧૭ના વયજૂથમાં સીધી રાજ્યકક્ષાએ યોજાશે. તેમાં માન્ય એસોસીએશન સાથે પરામર્શ કરી આયોજન કરાશે.