- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને કેન્દ્રશાસિત પ્રદેશઃ દિલ્હીની ફોર્મ્યુલા મુજબ બંનેમાં વહીવટ થશે
નવી દિલ્હી: મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના નિર્ણય બાદ કાશ્મીરમાં શું બદલાવ આવશે તે પણ જાણવા જેવુ છે. મોદી સરકારના નિર્ણયના પગલે હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે.જ્યાં દિલ્હીની જેમ વિધાનસભાની ચૂંટણીઓ થશે પણ સરકારના સંચાલનમાં એલજી એટલે કે લેફટનન્ટ ગર્વનરની દખલગીરી વધશે. જ્યારે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે. જોકે ત્યાં વિધાનસભા નહી હોય એટલે ચૂંટણી નહી થાય. જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારે તમામ નિર્ણયો માટે અંતિમ મંજૂરી ઉપ રાજ્યપાલ એટલે કે એલજીની લેવી પડશે. સરકારના આ નિર્ણયની સાથે જ કાશ્મીરનુ અલગ બંધારણ પણ ખતમ થઈ ગયુ છે. આ બંધારણ 1965માં પાસ કરવામાં આવ્યું હતુ. કાશ્મીરમાં હવે જરુર પડે તો ઈમરજન્સી પણ લગાવી શકાશે. અગાઉ અલગ દરજ્જાના કારણે અન્ય રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં વોટ આપવાનો અધિકાર મેળવી શકતા નહોતા. હવે બીજા લોકો પણ આ રાજ્યમાં વોટિંગ માટે રાઈટ મેળવી શકશે.
રાજ્યસભામાં આજે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-એને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો હોવાથી હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે. ભારતના ભવિષ્ય માટેના આ નિર્ણાયક ફેંસલા અંતર્ગત હવે જમ્મુ-કાશ્મીર રાજ્યના બે ટુકડા થઈ ગયા છે જેમાં એક હશે જમ્મુ-કાશ્મીર અને બીજો હશે લદ્દાખ. એટલું જ નહીં આ બંને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને તેની પર કેન્દ્ર સરકારનું સીધું નિયંત્રણ રહેશે. આમ, હાલ દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાં જે રીતે વહીવટીતંત્ર ચાલે છે તે ફોર્મ્યુલાનો જમ્મુ-કાશ્મીરમાં પણ અમલી કરાશે.
મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ કરીને એક કાંકરે ઘણા પક્ષીના શિકાર કર્યા છે. બંધારણના અનુચ્છેદ 35-એ અને કલમ 370ની નાબૂદીથી રાજ્ય સરકારની ભૂમિકા હવે મર્યાદિત થઈ જશે. આ સંજોગોમાં કાશ્મીરમાં અત્યારસુધી અસ્થિરતા અને અરાજકતા માટે જેમને જવાબદાર ગણવામાં આવે છે તેવા વિભાજનવાદીઓ અને અલગતાવાદીઓનું એકહથ્થૂ વર્ચસ્વ ખતમ થઈ જશે તેમ મનાય છે. વિભાજનવાદીઓ રાજકારણમાં આવી નથી શકતા અને ચૂંટણીઓનો વિરોધ કરે છે અને આ સંજોગોમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનતા તેમના સ્વચ્છંદીપણા પર પણ કાપ મૂકાશે.
બંને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહેશે: દિલ્હી હાલ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેમાં જે ફોર્મ્યુલાથી સરકાર ચાલે છે તેનું જ જમ્મુ-કાશ્મીરમાં અનુસરણ કરાય તેવી શક્યતા છે. હજી કેન્દ્ર સરકારના પ્રસ્તાવની વિગતો આવવાની બાકી છે. પરંતુ પ્રાથમિકપણે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે દિલ્હી સરકારની જેમ જ આરોગ્ય-શિક્ષણ જેવા મુદ્દા સ્થાનિક સરકાર પાસે રહેશે. જ્યારે બંને રાજ્યોમાં લેફ્ટનેન્ટ ગવર્નરની નિમણૂંક કરીને વહીવટીતંત્ર ચલાવાઈ શકે છે. જ્યારે બંને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહી શકે છે.
- જમ્મુ કાશ્મીરમાં હવે માત્ર ભારતનો જ ધ્વજ ફરકશે.
- અન્ય રાજ્યોના લોકો જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશે.
- રાજ્ય બહાર લગ્ન કરનાર મહિલાઓના પોતાના રાજ્યના અધિકાર નહી છીનવાય.