- પીએમ મોદીએ વિનોદ ભટ્ટના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું
અમદાવાદ,
ગુજરાતી ભાષાના શીરમોર હાસ્યલેખક વિનોદ ભટ્ટનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન આજે નિધન થયું છે. વિનોદ ભટ્ટની તબિયત છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સામે સતત હસતા હસતા ઝઝૂમતા વિનોદભાઈને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ વિનોદ ભટ્ટના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું.
જોકે છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અનેક સાહિત્યકારોએ એમની મુલાકાત લીધી હતી. મંગળવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિનોદ ભટ્ટ સાથે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ દરમિયાન વિનોદ ભટ્ટ બોલી શકતા ન હતા. આ ઉપરાંત અંગતમિત્રો એવા હાસ્યકાર રતિલાલ બોરીસાગર અને કવિ ભાગ્યેશ ઝાએ પણ વિનોદ ભટ્ટ સાથે સમય ગાળ્યો હતો. વિનોદ ભટ્ટના પાર્થિવ દેહને તેમના સ્વજનો અને પરિવારજનો માટે અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન 7, ધર્મયુગ કોલોની, ગીતામંદિર મણિનગર રોડ ખાતે મૂકવામાં આવશે. ત્યારબાદ તેમના દેહ દાનની કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતી સાહિત્યના મુર્ધન્સ હાસ્યલેખક વિનોદ ભટ્ટના નિધન અંગે ટ્વીટ કરીને પરિવારને દુ:ખના સમયે સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ભાષામાં હાસ્ય લેખન માટે જ્યોતિન્દ્ર દવે બાદ જો કોઈનું નામ લોકોના મુખે ચઢતું હોય તે વિનોદ ભટ્ટ છે. તેમના સાહિત્ય ક્ષેત્રે યોગદાનને ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. તેમની રચનાઓમાં પહેલું સુખ તે મૂંગી નાર, આજની લાત, વિનોદવિમર્શ, ભૂલચૂક લેવી-દેવી જેવી કૃતિઓનો સમાવેશ છે. વિનોદ ભટ્ટને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઇ નીલકંઠ પુરસ્કાર અને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.