કલમ ૩૭૦ દૂર થતાં દેશમાં ઉજવણી : લોકો ખુશખુશાલ

0
39

અમદાવાદ, તા.૫
ભારત દેશની આઝાદી પછીના આટલા વર્ષોના ઇતિહાસમાં એક ઐતિહાસિક અને બહુ મર્દાનગીભર્યા નિર્ણયના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને કલમ-૩૫ એ રદ કરી દેવાતાં અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં ખુશી અને ઉજવણીનો માહોલ છવાયો હતો. જમ્મુ-કાશ્મીર ભારતના અન્ય રાજયની જેમ જ સ્વતંત્ર બનતાં દેશવાસીઓમાં ભારે ખુશી અને ગર્વની લાગણી છવાઇ ગઇ હતી. અમદાવાદ સહિત ગુજરાતભરમાં પણ લોકોએ રસ્તા પર ઉતરી આવી જાહેરમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી જય હિંદ, વંદે માતરમ્‌, ભારત માતા કી જય ના નારાઓ લગાવી રાષ્ટ્રભકિતને ઉજાગર કરી હતી. એટલું જ નહી, જમ્મુ-કાશ્મીર કાશ્મીર દેશમાં અન્ય રાજયોની જેમ જ ભળી જતાં તેની અનહદ ખુશીમાં અમદાવાદ સહિત ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાહેરમાં ફટાકડા ફોડી, મીઠાઇ ખવડાવી ખુશીના માહોલ વચ્ચે ઉજવણી કરી દિવાળી પહેલાં જ જાણે દિવાળીના પર્વની ઉજવણી કરી હોય તેવો માહોલ સર્જયો હતો. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ દ્વારા દેશના ઐતિહાસિક નિર્ણય લેવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ દ્વારા બહાલી મળી હતી. બહુમતીથી કાશ્મીરના સદીઓ સમયથી સળગતા પ્રશ્ન સમાન કલમ-૩૭૦ હટાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઇ દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય જનતાએ રસ્તા પર ઉતરી આવી રીતસરનો જશ્ન મનાવ્યો હતો. લોકોના ધોડેધાડા રસ્તા પર ઉતરી આવ્યા હતા. યંગસ્ટર્સ, સિનિયર સીટીઝન્સ, વેપારી વર્ગ હોય કે વકીલઆલમ કે નોકરિયાત કે ધંધા-રોજગારવર્ગ તમામ લોકો માર્ગો પર ત્રિરંગો ફરકાવતાં ઉતરી આવ્યા હતા અને જય હિંદ, વંદે માતરમ્‌, ભારત માતા કી જય ના જારદાર નારાઓ લગાવતાં અને રાષ્ટ્રભકિત ઉજાગર કરતા જાવા મળતા હતા. ઢોલ-નગારા અને ત્રાંસા સાથે નાચ-ગાન કરી મીઠાઇઓ વહેંચી લોકોએ પોતાની ખુશી વ્યકત કરી જમ્મુ-કાશ્મીરની આઝાદીની ઉજવણી કરી હતી. જેને લઇ ગુજરાત સહિત દેશમાં ફરી એકવાર દેશભકિતનો માહોલ બહુ પ્રબળ બન્યો હતો. ઉપરોકત ઐતિહાસિક નિર્ણય આ ખુશીને વધાવવા માટે રાજકોટ શહેરના તમામ વકીલોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. રાજકોટના ત્રિશુલ ચોકમાં પણ લોકોએ ફટાકડા ફોડ્‌યા હતા.ગોંડલમાં પણ આ નિર્ણયને વધાવ્યો છે. ગોંડલમાં લોકોએ ફટાકડાની ૩૭૦ની પ્રતિકૃતિ બનાવી હતી અને બાદમાં દીવાસળી ચાંપી આતશબાજી કરી હતી. લોકોની ખુશી અને ઉજવણીમાં મોદી અને શાહના આ ઐતિહાસિક અને મર્દાનગીભર્યા નિર્ણયના કારણે સાચા અર્થમાં જમ્મુ-કાશ્મીર આજે આઝાદ થયું તેનો સ્પષ્ટ અહેસાસ વ્યકત થતો હતો.