અંકલેશ્વર-બુરહાનપુર હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ

0
44

હથનુર ડેમના ૪૧ દરવાજા ખોલાયા : હાઈ વે પર પાણી તાપી જિલ્લામાં ૩૯ કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ગયા

અમદાવાદ, તા.૯
ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લામાં ગત ૨૪ કલાકમાં જોરદાર વરસાદ પડતાં હથનૂર ડેમના ૪૧ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતુ, જેને પગલે તાપી નદીમાં પાણી વધી જતાં અક્કલકુવા, તળોદા, ધડગાવ, શહાદા તાલુકાની તમામ નદીમાં પૂર જેવી સ્થિતી સર્જાઇ હતી. જેના પરિણામે, અંકલેશ્વર-બુરહાનપુર હાઈ વે પર પાણી ફરી વળતા બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી અને વાહનવ્યવહાર જાણે ઠપ્પ થઇ ગયો હતો. વાહનચાલકોને બહુ ભયંકર હાલાકીનો ભોગ બનવુ પડયુ હતું. ગત રોજ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે હથનૂર ડેમની સપાટી ૨૧૦.૫૮૦ મીટર પર પહોંચી ગઇ હતી. જેના પગલે ડેમના તમામ ૪૧ ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા અને હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. દરમ્યાન અક્કલકુવા શહેરની વરખેડી નદીને પુર આવતાં મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના બોર્ડર આવેલા અંકલેશ્વર બરહાનપુર નેશનલ હાઈ વે પર પાણી ફરી વળતા બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. નેશનલ હાઈ વે સાથે નજીકના રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બે કાંઠે વહી રહી છે.
દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના કુકરમુંડા ૮ ઈંચ અને નીઝરમાં ૭ ઈંચ વરસાદ ખાબકતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે તાપી જિલ્લા ૩૯ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ભારે વરસાદ અને પૂરની સ્થતિને લઇ તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડતુ થઇ ગયુ હતુ.