આઇપીએલ-૧૧ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. ગત ૨૨ મેએ ક્વોલિફાયર-૧માં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને બે વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. હવે વારો છે બીજી ટીમના ફાઇનલ પ્રવેશનો.
આજે રાત્રે ૭.૦૦ વાગ્યે ક્વોલિફાયર-૨માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ટકરાવાની છે. આજની મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચી જશે. જો જૂના આંકડા પર નજર કરીએ તો સાબિત થાય છે કે ક્રિકેટ ચાહકોને ચેન્નઈ-કેકેઆર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૨૭ મેએ ફાઇનલ મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે.
હૈદરાબાદ પર ભારે પડે છે કેકેઆર
કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૪ મેચ રમાઈ ચૂકી છે, જેમાં કોલકાતાના ધૂરંધરો હૈદરાબાદ પર ભારે પડતા નજરે પડ્યા છે. કેકેઆર ૧૪માંથી નવ મેચ, જ્યારે હૈદરાબાદ પાંચ મેચ જીતી શક્યું છે. આ ઉપરાંત કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકને આજની મેચમાં એક સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે તેની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહી છે.
કેકેઆરની ટીમે ઈડન ગાર્ડન્સ પર અત્યાર સુધી છ મેચ રમી છે, જેમાંથી પાંચ મેચ જીતી લીધી છે. હૈદરાબાદ કોલકાતામાં ફક્ત એક જ મેચ જીતી શક્યું છે, જે વર્તમાન સિઝનમાં ૧૪ એપ્રિલે રમાઈ હતી. તેણે એ મેચમાં પાંચ વિકેટે કેકેઆરને પરાજય આપ્યો હતો.
નબળો સાબિત થયો છે હૈદરાબાદનો બેટિંગ ક્રમ
હૈદરાબાદ માટે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેણે પોતાના બેટિંગ ક્રમ પર ધ્યાન આપવું પડશે. ફક્ત બોલર્સ પર નિર્ભર ના રહેવું જોઈએ. તેનો બેટિંગ ક્રમ અત્યાર સુધી નબળો સાબિત થયો છે. કેપ્ટન વિલિયમ્સન (૬૮૫ રન) અને શિખર ધવન (૪૩૭) પર જ ટીમની બેટિંગ નિર્ભર રહે છે.
બીજી તરફ કેકેઆર પાસે કેપ્ટન દિનેશ કાર્તિક (૪૯૦ રન), ક્રિસ લીન (૪૪૩ રન), રોબિન ઉથુપ્પા (૩૪૯ રન), સુનીલ નરૈન (૩૩૧ રન) શુભમન ગિલ અને આન્દ્રે રસેલના રૂપમાં જબરદસ્ત બેટ્સમેન છે. જ્યારે બોલિંગમાં સુનીલ નરૈન (૧૬ વિકેટ), કુલદીપ યાદવ (૧૫), પિયૂષ ચાવલા (૧૩ વિકેટ), આન્દ્રે રસેલ (૧૩ વિકેટ) જેવા શાનદાર બોલર છે