શાળાઓમાં છોકરો અને છોકરી પ્રત્યે કોઈ જ ભેદભાવ ન રાખવો બંને ને સમાન તક આપવાનો આદેશ

0
81

અમદાવાદ

રાજ્યની પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કુમાર-કન્યાઓને વર્ગખંડમાં બેસાડવાથી માંડીને તમામ કામગીરીમાં ભેદભાવ ન રાખી સમાન તક આપવા-જેન્ડર બાયસ ન રાખવા માટે આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને ૨૮ મુદ્દાનું જેન્ડર ઓડિટ ચેકલિસ્ટ મોકલી આપ્યું છે, જેના આધારે તમામ શાળાઓએ સેલ્ફ એસેસમેન્ટ કરવાનું રહેશે. એટલું જ નહીં, શાળાઓમાં લગાવવામાં આવતા મહાન વ્યક્તિના ચિત્રોમાં પણ પુરૂષ ચિત્રોની તુલનામાં સમાનતા જળવાઈ રહે તેવા મહાન સ્ત્રીઓના ચિત્રો મૂકવા પણ જણાવાયું છે. 
જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જેન્ડર બાયસ મુક્ત વાતાવરણ માટેની માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે મુજબ શાળાઓએ કામગીરી કરવાની રહેશે. આ માટે ૨૮ મુદ્દાઓનું જેન્ડર ઓડિટ ચેકલિસ્ટ શાળાઓને મોકલવામાં આવ્યું છે. આ ચેક લિસ્ટના આધારે દરેક શાળાઓએ સેલ્ફ એસેસમેન્ટ કરવાનું રહેશે અને શાળાના નોટીસ બોર્ડ પર પણ લગાવવાનું રહેશે. શાળાઓએ દર વર્ષે આ પ્રક્રિયા કરવાની રહેશે અને જિલ્લાના અધિકારીઓએ તેની ચકાસણી પણ કરવાની રહેશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા સૂચના અપાઈ છે. વર્ગખંડમાં વિષયવસ્તુની સમજૂતી કે ઉદાહરણ આપવામાં કન્યા-કુમાર બંનેના લૈગિંક પુર્વગ્રહ મુક્ત ઉદાહરણો પૂરા પાડવા જણાવાયું છે. વર્ગખંડની અંદરની તમામ પ્રવૃત્તિઓમાં કન્યા અને કુમારને સમાન તક આપવાની રહેશે. માસિક બાબતે કન્યા અને કુમાર સાથે વાર્તાલાપ કરવામાં આવે, જેથી કુમારોને પણ આ બાબતની માહિતી મળી રહે. ઉપરાંત સ્કૂલમાં એક ફરિયાદ પેટી રાખવી અને દર અઠવાડીયે મહિલા શિક્ષિકા દ્વારા ફરિયાદોનો નિકાલ કરવો. શાળાઓમાં મૂકાતી મહાનુભાવોની તસવીરોમાં પણ સમાનતા રાખવાની રહેશે

શાળાઓને જે માર્ગદર્શિકા અપાઈ છે, તેની ચકાસણી કરી ખુટતી બાબતોની પુર્તતા કરવા સૂચના અપાઈ છે. જેમાં મધ્યાહન ભોજનની વહેંચણીમાં કુમારો અને કન્યા વચ્ચે સમાનતા રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત પ્રાર્થના સભામાં કન્યાઓ અને કુમારોની બેઠક વ્યવસ્થા લૈગિંક પૂર્વગ્રહ વિના ગોઠવવાની રહેશે. શાળામાં વાજિંત્રો વગાડવામાં અને ગાયકીમાં કુમાર અને કન્યાઓને સમાન તક આપવાની રહેશે. કમ્પ્યૂટર લેબ સુવિધા અંતર્ગત કુમાર-કન્યાને સમાન તક મળવી જોઈએ. જો લેબની કેપેસીટી ૧૦ બેઠકની હોય તો પાંચ કન્યા અને પાંચ કુમારને લઈ જઈ શકાય.