ડાન્સને કારણે અભિનય કરવા મળ્યો: નોરા ફતેહી

0
129

નોરા ફતેહી કેટલાક વર્ષ પહેલાં બૉલીવૂડમાં અભિનેત્રી બનવા કેનેડાથી ભારત આવી હતી. પ્રારંભમાં તેનેકેટલીક ફિલ્મો મળી હતી,

જેમાં ‘રૉર: ટાઇગર્સ ઑફ ધ સુંદરબન્સ’ અને ‘ક્રેઝી કક્કડ ફેમિલી’ જેવી ફિલ્મો હતી. પણ તે બધા લો-પ્રોફાઇલ પ્રોજેક્ટ્સ હતા અને તેમાં તેની નોંધ પણ નહોતી લેવાઇ.

તે પછી તે એક રિયાલિટી શૉમાં આવી અને ‘બાહુબલી: ધ બીગનિંગ’માં મનોહારી… ડાન્સ નંબરમાં દેખાઇ હતી. તે પછી નોરાની નોંધ લેવાઇ અને પછી તો તે આઇટમ નંબર્સ કરવા લાગી.

‘દિલબર’ (સત્યમેવ જયતે) અને ‘ઓ સાકી સાકી’ (બાટલા હાઉસ) જેવાતેના ગીતો લોકપ્રિય થયા. ૨૭ વર્ષની આ અભિનેત્રી અત્યારે બૉલીવૂડમાં નવી ડાન્સિંગ સેન્સેશન તરીકે ઉભરી રહી છે. તે કહે છે, ‘મેં મારી કારકિર્દી અભિનેત્રી તરીકે શરૂ કરી હતી, પણ મારી અભિનય ક્ષમતા પ્રત્યે કોઇનું ધ્યાન ન ગયું અને તે પછી મને જે કામ મળવા લાગ્યું તે કરવા લાગી.

મને હિટ ગીતોમાં ચમકવાની તક મળવા લાગી અને હું તેમાં મારી ડાન્સિંગ સ્કિલ્સ દેખાડવા લાગી. હું તાલીમ પામેલી ડાન્સર નથી, છતાંય ડાન્સિંગ સેન્સેશન બની ગઇ, જેની અપેક્ષા મેં ૧૦ વર્ષ પહેલા નહોતી રાખી. હું ફક્ત કામ કરવા લાગી, જે યોજનાપૂર્વકનું નહોતું.

અત્યારે હું જે કંઇ છું તે મારા ડાન્સ પર્ફોર્મન્સને કારણે છું. લોકોનું ધ્યાન મારા ડાન્સને લીધે મારા પર ગયું. મને એક કલાકાર તરીકે બ્રાન્ડ બનાવવામાં મારા ડાન્સ પર્ફોર્મન્સે બહુ મદદ કરી છે. આથી હવે મને કેટલા બધા એકશન રોલ્સવાળી ફિલ્મોની ઓફરો મળી રહી છે. ડાન્સને કારણે મારા માટે ફિલ્મોના દરવાજા ખૂલી ગયા.’