લક્ષ્‍‍મણ અને ગાવસ્કરની ઋષભ પંતને લઇને આપી ગંભીર સલાહ

0
37

પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્‍મણ અને સુનિલ ગાવસ્કર યુવા વિકેટ કીપર ઋષભ પંતના ફોર્મને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેનું માનવું છે કે પંતની આક્રમક રમત ચોથા ક્રમે કામ નહીં આવે. તેના નીચલા ક્રમે બેટિંગ માટે મોકલવો જોઈએ જેથી તે ફોર્મમાં પરત ફરી શકે. પંતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી- 20 માં 4 અને ત્રીજી ટી- 20 માં 19 રન કર્યા હતા. તેના શોટ સિલેક્શન પર રવિ શાસ્ત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. લક્ષ્‍મણે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે , પંતની સમસ્યાનું એક જ સમાધાન છે કે તેને નીચલા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવે. તેની બેટિંગ સ્ટાઇલ આક્રમક છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચોથા ક્રમે ઝઝૂમી રહ્યો છે અને હજી સુધી સફળ થયો નથી. પંતને ખબર નથી કે ચોથા ક્રમે કઈ રીતે બેટિંગ કરવી : લક્ષ્‍મણ
વીવીએસ લક્ષ્‍મણે કહ્યું કે, પંતે પાંચમા અથવા છઠા ક્રમે બેટિંગ કરવી જોઈએ. ત્યાં તેને મોટા શોટ્સ રમવાની છૂટ મળશે. અત્યારે તે નથી જાણતો કે ચોથા ક્રમે રન કઈ રીતે બનાવી શકાય છે. તેના પર વધુ દબાણ બનાવવાની જરૂર નથી. બધા ખેલાડીઓના કરિયરમાં એક ખરાબ ફેઝ આવે છે. તે સ્ટ્રાઇક રોટેટ કરવામાં વિવિધતા લાવી રહ્યો છે. પરંતુ ઇનિંગ્સની શરૂઆતમાં તેના શોટ્સ સિલેક્શન ખોટા રહ્યા છે.

ઐયર અને હાર્દિક ચોથા નંબરે સાચા વિકલ્પ છે
લક્ષ્‍મણે વધુમાં કહ્યું કે, ‘શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા ચોથા નંબરે સાચા વિકલ્પ છે. બંને અનુભવી છે. પંતને મહેન્દ્રસિંહ ધોનીનું સ્થાન લેવાનું છે. તેમ તેના પર પહેલેથી વધારે પડતું દબાણ છે. ટીમ મેનેજમેન્ટે પંતને પાંચમા અથવા છઠા ક્રમે મોકલવો જોઈએ. જેનાથી તે પોતાને સાબિત કરી શકશે.’ પંતે છેલ્લી પાંચ ટી-20માં એક ફિફટી ફટકારી છે.