અમદાવાદના નાગરિકો આજકાલ ‘પાંખ’વાળી મુસીબત સામે લડી રહ્યા છે, એ પણ પોતાના ઘરમાં જ! અમદાવાદના ઘણા ઘરોના સ્પ્લિટ ACમાંથી ચામાચીડિયા નીકળવાની સમસ્યા વધી છે. અવારનવાર કૂલિંગ યુનિટમાંથી નીકળતાં કબૂતરોની સમસ્યાનો સામનો કરતા લોકો હવે ACમાંથી નીકળતા ચામાચીડિયાને જોઈને આઘાતમાં છે. AC મિકેનિક્સે સ્વીકાર્યું છે કે શહેરના 50 ટકા AC યુનિટ્સ ચામાચીડિયા અને કબૂતરના કારણે બગડી જાય છે. ક્યારેક કોર્પોરેટ ઓફિસના ACમાંથી ઉંદર પણ નીકળે છે.જુહાપુરાની અન્શા સોસાયટીમાં રહેતા મોહમ્મદ આમીર ચુનાવાલાને હંમેશા લાગતું કે તેમના બંધ રૂમમાં એક ચામાચીડિયું ક્યાંથી આવી જાય છે. ચુનાવાલાએ કહ્યું કે, “હું ઘણીવાર મારા ઘરમાં ચામાચીડિયાને ઉડતું જોતો હતો. તેને બહાર કાઢવા માટે અમે ઘરના બધા જ પંખા બંધ કરીને બારી-બારણા ખોલી દેતા હતા. તાજેતરમાં જ અમે અમારા બેડરૂમનું AC રિપેર કરાવવાનું નક્કી કર્યું. AC ઘણા દિવસથી વપરાતું નહોતું. જ્યારે AC રિપેર કરનારે AC ખોલ્યું તો તેમાંથી એક-બે નહીં 22 ચામાચીડિયા નીકળ્યાચુનાવાલાએ વધુમાં કહ્યું કે, “ચામાચીડિયાને બહાર કાઢવા મુશ્કેલ હોવાથી અમે બે દિવસ સુધી તે રૂમની બારી ખોલીને રૂમ બંધ કરી દીધો. આખરે જ્યારે ચામાચીડિયા ઉડી ગયા ત્યારે અમે AC ભંગારમાં આપી દીધું.” AC મિકેનિક આરીફ શેખે કહ્યું કે, “મને દરરોજ 10 જેટલા સર્વિસ કૉલ આવે છે તેમાંથી ઓછામાં ઓછા બે ACમાંથી તો ચામાચીડિયા નીકળે જ છે.”જ્યારે ઘરમાં નવું AC ફીટ કરવામાં આવે છે ત્યારે વૉટર આઉટલેટ, ગેસ પાઈપ અને વાયર ફિક્સ કર્યા પછી આ ભાગ ખુલ્લો રાખવામાં આવે છે. અને AC જ ખુલ્લા રાખેલા ભાગમાંથી ચામાચીડિયા તેમાં ઘૂસી જાય છે. ACના ખુલ્લા ભાગનું બરાબર પેકિંગ અથવા તો સિમેન્ટથી સીલ કરવું જરૂરી છે, પણ આમ ન થતાં આ સમસ્યા સર્જાય છે.ટેક્નિશિયન અરવિંદ ડાભીએ કહ્યું કે, “ACમાંથી ચામાચીડિયા નીકળવાની સમસ્યા પાલડી, બોડકદેવ અને મણિનગર વિસ્તારમાં પણ જોવા મળે છે. આ ગુરુવારે હું શરણમ્ અપાર્ટમેન્ટમાં ACની સર્વિસ કરવા ગયો હતો ત્યાં ACમાંથી 5 ચામાચીડિયા નીકળ્યા. સર્વિસ કરતી વખતે મેં થોડી હલચલ જોઈ અને ત્યાંથી એક ચામાચીડિયું દેખાયું પરંતુ જ્યારે યુનિટ ખોલ્યું ત્યારે તેની અંદર 5 ચામાચીડિયા હતા.”AC સર્વિસિંગ ફર્મ ચલાવતા કમલેશ રામાણીએ કહ્યું કે, “અમારા ટેક્નિશિયન પણ અવારનવાર આવી ઘટનાઓનો રિપોર્ટ આપતા હોય છે. ચામાચીડિયા સિવાય ઘણીવાર ઉંદર પણ ACમાંથી નીકળે છે. આવી ઘટનાઓ ત્યારે જ બને છે જ્યારે ટેક્નિશિયન AC લગાયેલું હોય તે દિવાલમાં પાડેલું કાણું ખુલ્લું રાખે છે અને બરાબર બંધ નથી કરતા.” નિકોલના સ્થાનિક અમિત પટેલે કહ્યું કે, “ઘણીવાર અમને ઘરમાં ચરક મળી આવતી પરંતુ અમને ખબર નહોતી કે એ કોની હતી. જ્યારે AC સર્વિસ કરવા માટે ટેક્નિશિયન આવ્યો ત્યારે ACની અંદરથી બે ચામાચીડિયા મળ્યા”.સામાન્ય રીતે નવું AC લાવીએ ત્યારે આપણને લાગે છે કે કંપનીમાંથી આવેલો ટેક્નિશિયન AC બરાબર લગાવીને જશે. પરંતુ ફટાફટ કામ પતાવવાની ઉતાવળમાં તે કાણું ખુલ્લું જ રાખીને જતો રહે છે. સુંદરવનના પાર્ક મેનેજર એસ. શિવકુમારે કહ્યું કે, “સામાન્ય રીતે દિવસે જ્યારે આપણે ACનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે ચામાચીડિયા તેમાં ઘૂસી જાય છે અને પછી ત્યાં રહે છે. ખોરાકની શોધમાં રાત્રે ચામાચીડિયા તેમાંથી બહાર નીકળે છે. માત્ર ચામાચીડિયા જ નહીં AC ડકમાંથી સાપ મળ્યા હોવાની ઘટના પણ બની છે.