
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે (10મી ઑક્ટોબરે) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા હંમેશા રહેશે.’
‘કોઈપણ શક્તિને અફઘાન ભૂમિનો ઉપયોગ કરવા નહીં દઈએ’
દિલ્હીમાં ગૃહમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત દરમિયાન, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ સુરક્ષા સંબંધિત એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ઈસ્લામિક અમીરાત કોઈપણ શક્તિને અન્ય દેશો સામે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની કે ધમકી આપવાની મંજૂરી આપશે નહીં.’ભારતની પ્રશંસા કરતા અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, ‘અફઘાનિસ્તાન પરસ્પર આદર, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત સંબંધ ઇચ્છે છે. અમે ક્યારેય ભારત સામે નિવેદન આપ્યું નથી’
હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મુત્તાકીએ સંબંધોના ઈતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘અફઘાનિસ્તાન ક્યારેય કોઈને પણ પોતાના પ્રદેશનો ઉપયોગ બીજાઓ સામે કરવા દેશે નહીં. અફઘાનિસ્તાનમાં અમેરિકાના કબજા દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા. ત્યારે પણ અમે ક્યારેય ભારત સામે કોઈ નિવેદન આપ્યું નહીં. તેના બદલે અમે હંમેશા ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો.’


