
રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શિયાળાને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે, આગામી સમયમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હળવું પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં શીત લહેર પ્રવર્તે તેવી સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેમાં પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલના ભાગોમાં સવારનું લઘુત્તમ તાપમાન 15 થી 14 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી પણ નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે.હવામાન શાસ્ત્રીના મતે, આગામી થોડા દિવસોમાં બપોર પછી ગુજરાતના ભાગોમાં વાદળો જણાય તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપ આવતો નથી, તેમ છતાં આગામી સાત અને આઠ તારીખ સુધીમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. લગભગ 10 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના મધ્ય સુધીમાં વાદળછાયું વાતાવરણ અથવા છાંટા જેવું માવઠું થઈ શકે છે. આ ઉપરાંત, 24 ડિસેમ્બરથી માઘ સ્નાન સુધીમાં પણ માવઠું થવાની શક્યતા રહેલી છે.


