
હિંદુજા ગ્રુપની ભારતની ફ્લેગશિપ કંપની અને દેશની અગ્રણી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં ગ્રીન મોબિલિટી પર કેન્દ્રિત તેના નવા, ઇન્ટિગ્રેટેડ કોમર્શિયલ વ્હીકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના માનનીય મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથ, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહ અને ભારત સરકારના મોટા ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રાલય પ્રધાન શ્રી એચ ડી કુમારાસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારંભમાં ઉત્તર પ્રદેશ સરકારના નાયબ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ પ્રધાનો, વિવિધ દેશોના રાજદ્વારીઓ, ભારત અને વિદેશના મુખ્ય ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન, અશોક લેલેન્ડના વૈશ્વિક ડીલરો, સપ્લાયર્સ અને અન્ય ભાગીદારો તેમજ હિન્દુજા ગ્રુપ અને અશોક લેલેન્ડના વરિષ્ઠ નેતૃત્વ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લખનૌ એરપોર્ટ નજીક સરોજિની નગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલો અને 70 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો આ નવો પ્લાન્ટ અશોક લેલેન્ડનો વૈશ્વિક સ્તરે સૌથી અદ્યતન અને ટકાઉ પ્લાન્ટ છે, જે વિશ્વ કક્ષાની ગુણવત્તા અને કાર્યકારી શ્રેષ્ઠતા પ્રદાન કરે છે. આ પ્લાન્ટનું પ્રાથમિક ધ્યાન ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર રહેશે. આ પ્લાન્ટ વાર્ષિક 5,000 વાહનોનું ઉત્પાદન કરવા માટે ઊભો કરવામાં આવ્યો છે. મોટાભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશના વતની છે, જેમાં મહિલા કર્મચારીઓનો નોંધપાત્ર હિસ્સો છે.
અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, “આ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન ગતિશીલ રાજ્ય ઉત્તર પ્રદેશમાં અશોક લેલેન્ડ માટે એક મહત્વપૂર્ણ નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે. અમારું ગ્રુપ આર્થિક વિકાસને વેગ આપે, અર્થપૂર્ણ રોજગાર સર્જન કરે અને પ્રદેશમાં લાંબા ગાળાની સમૃદ્ધિને પ્રોત્સાહન આપે તેવી વધુ તકોનું સર્જન કરવા માટે ગહનપણે પ્રતિબદ્ધ છે. આ ઉત્પાદન પ્લાન્ટ ભારતના કોમર્શિયલ વ્હીકલ ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરવાના અમારા સંકલ્પની પુનઃપુષ્ટિ કરે છે અને અમને વિશ્વાસ છે કે તે ટકાઉ ગતિશીલતાને આગળ વધારવા સાથે રોજગાર સર્જનમાં મજબૂત યોગદાન આપશે. આ નવા પ્લાન્ટ સાથે, અમે ભવિષ્ય માટે પોતાને તૈયાર કરી રહ્યા છીએ અને અમારા નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક પગલું આગળ વધી રહ્યા છીએ.”


