
અમદાવાદ -લુમોસ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ સાકાર સિરિઝ હેઠળ રિયલ્ટી ફંડ-1 લોન્ચ કરશે, જેની સાઇઝ રૂ.500 કરોડની રહેશે. કંપની રિયલ્ટી ફંડમાં રોકાણની તક સર્જતું પ્લેટફોર્મ ઊભું કરશે, જેમાં સેબી ધોરણો અનુસાર રોકાણની ટિકીટ સાઇઝ રૂ.1 કરોડથી શરૂ થશે એમ કંપનીના ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેક્ટર અનુરંજન મોહનોટે જણાવ્યું હતું. આ ફંડનું કદ રૂ.300 કરોડની રહેશે પણ સાથે રૂ.200 કરોડ ગ્રીન શુ ઓપ્શનનો સમાવેશ થાય છે. ફંડને લોન્ચ કરવા માટે બકેરી સાથે સહયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, ફંડ 6 વર્ષ સુધીની મુદ્દત ધરાવશે અને તેના દ્વારા ઊભા થનારા નાણાંનો ઉપયોગ 60-70 ટકા બકેરી પ્રોજેક્ટમાં અને 30-40 ટકા અન્ય ડેવલોપર્સના પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવશે. પની દેશના ચાર મુખ્ય શહેરો – મુંબઈ, અમદાવાદ, પુણે અને બેંગલુરુમાં કાર્યરત છે. અત્યાર સુધી કંપનીએ વિવિધ ડેવલપર્સ સાથે ભાગીદારી કરી, અને રૂ.500 કરોડના ફંડ સફળતાપૂર્વક તરતા મૂકી ચૂક્યા છે, જેના દ્વારા ઊભા કરવામાં આવેલી રકમનું સંપૂર્ણ રોકાણ થઈ ગયું છે. કંપની નવા ફંડ માટે 18-20 ટકા વાર્ષિક રિટર્ન આપવાની આશા રાખે છે. આ અંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં રિયલ્ટી ફંડમાં અત્યાર સુધી 90 ટકા હિસ્સો મોટા સંસ્થાકિય રોકાણકારો અને બેંકોનો રહ્યો છે, જ્યારે માત્ર 10 ટકા હિસ્સો નાના અને મધ્યમ કદની કંપનીઓનો છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આગામી વર્ષોમાં ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનું કદ દેશની વધતી જીડીપી સાથે ઘણી ગણું વિસ્તરશે. ભારતમાં રહેવા માટેની માંગ સતત વધી રહી છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધતા રોકાણને કારણે રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળશે.”કંપની ટોચના શહેરોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાને સાથે નવા માર્કેટ ઓપોર્ટ્યુનિટીઝ પણ શોધી રહી છે, જેથી રોકાણકારોને આકર્ષક પરત આપી શકાય.