થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ સોલ્ટના બહાને સોપારીનો જથ્થો ઘુસાડવાના કૌભાંડ બાદ ફરી એક વખત સોપારીકાંડ ચર્ચામાં આવ્યું છે. હવે પ્લાસ્ટીકના દાણાની આડમાં દુબઈથી ઘૂસાડાતો સોપારીનો જથ્થો પકડાયો છે. કસ્ટમની એસ.આઈ.આઈ.બી (સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) વિંગ, મુન્દ્રાએ 53 ટન 3 કરોડ રૂપિયાનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ટીમે બે કન્ટેનરને અટકાવીને તપાસ કરી હતી. દુબઈથી પ્લાસ્ટીકના દાણાની આડમાં મુન્દ્રા પોર્ટ પર સોપારીનો જથ્થો આવી રહ્યાની કસ્ટમને બાતમી મળી હતી. જેના પગલે વોચ ગોઠવીને બે મોટા કન્ટેનરોની તપાસ કરતા તેમાંથી 3 કરોડ રૂપિયાની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. મુન્દ્રા કસ્ટમના પ્રિસિપલ કમિશનર કે.એન્જિનિયરની કસ્ટમ્સની બ્રાંચે તપાસ કરી હતી. સોપારીના બે કન્ટેનરો કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનના એક યુનિટમાં જતા હોવાનું અને તેમાં પીવીસી રેઝિન એટલે કે પ્લાસ્ટીકના દાણા હોવાનું જણવા મળ્યું હતું. ટીમે તપાસ કરતા તેમાંથી 53 ટન સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા થાય છે. અગાઉ સોપારી કાંડ ચર્ચામાં હતું. ત્યારે ફરી એક વખત કરોડો રૂપિયાની સોપારી પકડાતા સોપારી કાંડને અંજામ આપનારા માફિયાઓ સક્રિય થયાનું ચર્ચાઈ રહ્યું છે.ભારતની બજારમાં 450 કિલો આસપાસ મળી રહેતી વેચાતી સોપારી અન્ય દેશોમાં ઘણી સસ્તી વેચાય છે. બર્મા, શ્રીલંકા, થાઈલેન્ડ જેવા દેશોમાં સોપારીની નહિંવત્ ખપત હોય છે. મહિને સોપારીનો ડયુટી દર બદલાતો હોય છે. સોપારીનો જો કાયદેસર વેપાર કરાય તો વેપારીઓને વધુ રકમ ચુકવવી પડતી હોય છે. એટલે અન્ય દેશોમાંથી આયાત કરીને ડ્યુટી ચોરી કરીને સ્થાનિક બજારમાં સોપારી વેચી કૌભાંડ આચરાય છે. વિવિધ દેશોમાંથી થઈને વાયા દુબઈ થઈને સોપારી મુન્દ્રા બંદરથી ભારતમાં ઘૂસાડાય છે.
ચાર વર્ષ પૂર્વ કચ્છમાં સોપારીકાંડ પકડાયો હતો :
ઉલ્લેખનિય છે કે, ચાર વર્ષ પૂર્વ કચ્છમાં સૌપ્રથમ સોપારીકાંડ પકડાયો હતો તેમાં અમુક પોલીસ કર્મચારીઓની સંડોવણી ચર્ચામાં આવી હતી. ચાર કરોડના સોપારીકાંડમાં ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી તપાસ હજુ સુધી હવામાં અધ્ધરતાલ છે. એક પૂર્વ આઈપીએસના નજીકના સંબંધી અને રાજકીય આગેવાન સહિતની ટોળકીની સંડોવણીની ચર્ચા વચ્ચે ચાર વર્ષ જુનો અને ભૂલાવી દેવાયેલો સોપારીકાંડ આ ઘટનાથી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.