મુંબઈ : શિવસેના ના નેતા ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા અને સ્વર્ગસ્થ બિંદુમાધવ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે શુક્રવારે બળવાખોર શિવસેનાના નેતામાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે ના પૌત્ર નિહાર મુંબઈમાં વકીલ તરીકે કામ કરે છે. તેમના પિતા બિંદુમાધવનું 1996માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. ગયા મહિને, એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 39 ધારાસભ્યો અને 10 અપક્ષોએ ઠાકરે સામે બળવો કર્યો, જેના કારણે મહારાષ્ટ્રની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ, ઉદ્ધવની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારનું પતન થયું. બાદમાં 30 જૂને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.જો કે નિહાર શિંદે છાવણીમાં જોડાઈને રાજકીય પદાર્પણ કરે તેવી શક્યતા છે, પરંતુ તેને એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોઈ શકાય છે કારણ કે તે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને ટેકો આપનાર ઠાકરે પરિવારનો પ્રથમ સભ્ય હશે. શિંદે જૂથમાં નિહારનો પ્રવેશ શિંદેના બળવાને વધુ વેગ આપશે. નિહાર ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલના જમાઈ છે. નિહારના લગ્ન થોડા મહિના પહેલા થયા હતા આ દરમિયાન, શિવસેનાના બળવાખોર ધારાસભ્યએ શુક્રવારે દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને શિવસેનાના ઉપનેતા અર્જુન ખોટકર 31 જુલાઈએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં જૂથમાં જોડાશે. પૂર્વ મંત્રી અને ઔરંગાબાદ જિલ્લાની સિલ્લોડ સીટના ધારાસભ્ય અબ્દુલ સત્તારે પીટીઆઈ-ભાષા સાથેની વાતચીતમાં આ દાવો કર્યો હતો. જાલના જિલ્લાના વતની, ખોટકર 2014-19 દરમિયાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા. તાજેતરમાં, પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા તેમને શિવસેનાના ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.સત્તારે કહ્યું, “ખોટકર મૂંઝવણમાં હતા , પરંતુ મેં તેમની મૂંઝવણ દૂર કરી. હવે તેઓ 31 જુલાઈએ સિલ્લોડમાં એકનાથ શિંદે જૂથમાં જોડાશે. તેમની સાથે, સ્થાનિક બજાર સમિતિના ઘણા સભ્યો, પૂર્વ કાઉન્સિલરો પણ શિંદે કેમ્પમાં જોડાશે. સત્તારે અગાઉ કહ્યું હતું કે, શિવસેનાએ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવે સામે ખોટકરને ઉભા કરવો જોઈએ. આ અંગે પૂછવામાં આવતા સત્તારે કહ્યું કે, જાલના લોકસભા સીટ પર અમારો દાવો હજુ યથાવત છે, પરંતુ હવે રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.