
શનિવારે (18 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. નરોડામાં કારચાલકે કારને નો-પાર્કિગમાં સાંકડા રોડ પર ઊભી રાખી હતી, આ દરમિયાન કારચાલકે કારનો દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવી રહેલી બાઈક પરના બે લોકો નીચે પટકાયા હતા. એજ સમયે પાછળથી આવી રહેલી ટ્રક બાઈક ચાલક પર ફરી વળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ અને તેમના ભાઈ રાકેશ હિંગુને અકસ્માત નડ્યો હતો. તેઓ બાઈક લઈને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યાં હતા. આ દરમિયાન સર્વિસ રોડ પર નો-પાર્કિંગમાં ઉભેલી અર્ટિગા કારના ડ્રાઈવરે અચાનક દરવાજો ખોલ્યો હતો. જેના કારણે બાઈક ચાલક પ્રવીણ હિંગ અને પાછળ બેઠેલા રાકેશ હિંગુ નીચે પટકાયા હતા. ત્યારે પાછળથી આવેલી આઇસર ટ્રક તેના પર ફરી વળી હતી. બાઈક ચાલક પ્રવીણ હિંગુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે રાકેશ હિંગુના જમણા પગના ભાગે અને શરીર પર ઈજા પહોંચી છે. તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.