
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર,મહારાજા અગ્રસેન અને ઝાયડસ, DAV ઈન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી.સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટારગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી IP એડ્રેસ (Overseas IP) પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષય (Subject)માં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.


