કંપનીએ દાવો કર્યો છે કે આ ઉત્પાદન, “… એક પ્રવાહી ફોર્મ્યુલેશન છે જેમાં 21 અલગ અલગ પ્રકારના છોડ આધારિત અર્ક ઉમેરવામાં આવ્યા છે. આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર આ ઘટકો માણસો દ્વારા ઉપયોગ કરવા માટે અસરકારક અને સલામત છે.”
રાજકોટ: આયુષ મંત્રાલયપાસેથી પ્રાપ્ત થયેલા પત્રના આધાર પર પગલાં લઇને ગુજરાતના ખાદ્ય અને દવા નિયંત્રણ પ્રશાસનના સંયુક્ત કમિશનરે (આયુર્વેદ) રાજકોટ સ્થિત દવા ઉત્પાદક કંપનીને કારણદર્શક નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કંપની પોતાના ઉત્પાદન આયુધ એડવાન્સબાબતે ગેરમાર્ગે દોરનારા દાવા કરતી હોવાથી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમનું કથિત ઉત્પાદન ‘સૌથી પહેલી તબીબી ધોરણો અનુસાર પરીક્ષણ કરેલી કોવિડ-19 વ્યવસ્થાપન અને સારવાર માટેની દવા’ છે. કંપનીએ વધુમાં એવો પણ દાવો કર્યો છે કે, આ ઉત્પાદન રેમડેસિવીર ની સરખામણીએ ત્રણ ગણું બહેતર છે અને એવું પણ કહ્યું છે કે, ‘જ્યાં રસી અટકી જાય છે ત્યાં આયુધ એડવાન્સ કામ કરવાનું શરૂ કરે છે’. આયુષ મંત્રાલયના દવા નીતિ વિભાગના નાયબ સલાહકાર ડૉ. એસ.આર. ચિંતા દ્વારા 18 એપ્રિલના રોજ ઇશ્યુ કરવામાં આવેલા પત્રમાં ગુજરાતના આયુર્વેદિક દવાના લાઇસન્સિંગ ઓથોરિટીના સંયુક્ત કમિશનરને રાજકોટ સ્થિત મેસર્સ શુકલા આશર ઇમ્પેક્સ પ્રા. લિ. વિરુદ્ધ તાત્કાલિક ધોરણે અને સખત પગલાં લેવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ પત્રમાં 5-6 કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કંપની વિરુદ્ધ સખત પગલાં લેવાનું દર્શાવે છે. આયુર્વેદના નિયમોને ટાંકતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, દવાના ફોર્મ્યુલેશનમાં “EEBની કલમ 33નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જે કોઇ ચોક્કસ દવાને ‘ખોટું બ્રાન્ડિંગ કરેલી, ભેળસેળ યુક્ત અને બનાવટી’ દવાની શ્રેણીમાં મૂકે છે.”