મુંબઈ : આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ ચર્ચામાં આવેલા એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાતિ અંગેની તપાસ કરતી સમિતિએ ક્લીન ચિટ આપી છે. મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નવાબ મલિક શાહરૂખ ખાનના દીકરાને જેલમાં મોકલનારા વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા હતા. સમીર વાનખેડેએ જાતિના નકલી પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાના આરોપો લગાવાઈ રહ્યા હતા. જોકે આખરે સમીર વાનખેડેને તે મામલે રાહત મળી છે. ક્લીન ચિટના આદેશમાં લખ્યું છે કે, વાનખેડે જન્મજાત મુસ્લિમ નહોતા. ઉપરાંત એમ પણ સાબિત નથી થતું કે, વાનખેડે તથા તેમના પિતાએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો. જોકે તેઓ મહાર-37 અનુસૂચિત જાતિના હોવાનું સાબિત થાય છે. કાસ્ટ સ્ક્રુટિની સમિતિના કહેવા પ્રમાણેએનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિક ઉપરાંત મનોજ સંસારે, અશોક કાંબલે અને સંજય કાંબલેએ સમીર વાનખેડેની જાતિના પ્રમાણપત્ર મામલે ફરિયાદ કરી હતી. તેમાં કોઈ તથ્ય ન મળતાં તે ફરિયાદ રદ કરવામાં આવે છે. મુંબઈ પોલીસને 2 ફરિયાદ મળી હતી જેમાં ફરિયાદકર્તાએ લખ્યું હતું કે, વાનખેડેનું જાતિનું પ્રમાણપત્ર નકલી છે અને તે મેળવવા માટે દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવેલી છે જેથી તેમને એસસી કેટેગરીમાં નોકરી મળી શકે. ફરિયાદકર્તાએ પુરાવારૂપે વાનખેડેના જન્મનું પ્રમાણપત્ર અને લગ્નનું પ્રમાણપત્ર આપ્યું હતું. તે ફરિયાદોના આધાર પર પોલીસે એસઆઈટીની રચના કરીને તપાસ આરંભી હતી. સૌ પ્રથમ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના જન્મના પ્રમાણપત્ર સામે સવાલો કર્યા હતા. મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર વાનખેડેના જન્મના પ્રમાણપત્રની કોપી શેર કરી હતી જેમાં વાનખેડેના પિતાનું નામ દાઉદ વાનખેડે લખેલું હતું. સાથે જ એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વાનખેડેએ એસસી શ્રેણી અંતર્ગત આઈઆરએસમાં નોકરી મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે.