વ્યક્તિ કરોડપતિ હોય અને રૂપિયો છૂટતો ન હોય તો શું કામનો?, ધર્મનો માર્ગ હશે તો આગળ જવાશે
અત્યંત ધાર્મિક પ્રકૃત્તિ ધરાવતા ભૂપેન્દ્ર પટેલ પ્રવાસ દરમ્યાન તેમની તળપદી ભાષામાં અધિકારીઓને કટાક્ષ કરતા રહે છે. લોકો જે ભાષામાં સમજે છે તેવું તેમનું પ્રવચન હોય છે. તેમના કેટલાક વક્તવ્યો પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકારને યાદ અપાવી જાય છે. કેશુભાઇ પટેલ પણ તેમના પ્રવચનમાં ગામઠી ભાષાનો પ્રયોગ કરતાં હતા ત્યારે લોકો તેમને વધાવી લેતા હતા.
મહેસાણાની મુલાકાત દરમ્યાન તેઓ તેમની સાસરીના ગામમાં ગયા હતા. તેમણે અધિકારીઓને વિકાસના કામો કરવાની ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે તેને કોઇ મુશ્કેલી આવતી નથી. પાંચીયું જ છૂટે નહીં એવા માટે મને થાય છે કે પૈસા ભેગા કરીને શું કરશે?…’
મુખ્યમંત્રીએ ગઇકાલે ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં પણ ટીખળ કરી હતી. તેમણે લોકો સમક્ષ કહ્યું હતું કે અમારૂં મંત્રીમંડળ નવું છે. નવા મંત્રીઓ હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધારે હોય તે સ્વાભાવિક છે. અમારી કોઇ ભૂલ થાય તો લોકોના લાફા પડે છે એટલે ઠરી જાય છે પણ મને વિશ્વાસ છે કે લાફા મારવાની જગ્યાએ અમને શીખવાડજો અને થોડી ભૂલ થાય તો રસ્તો બતાવજો.