નવી દિલ્હી : અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે નૌતમ સ્વામીની હાકલ પટ્ટી કરવામાં આવી હતી. જે બાદ હવે રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજીની અધ્યક્ષતામાં આજે અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરે બેઠક યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના વડા તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે, સાળંગપુરના ભીંતચિત્રો સહિતના સનાતન ધર્મ મામલે જે વિવાદો છે, તે મામલે આંદોલન ચલાવનારા સંતોને સાળંગપુર વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની જે બેઠક કરવામાં આવી હતી, તે બેઠકમાં બોલાવવામાં આવ્યા નહોતા જે યોગ્ય નથી. જે સાધુ સંતોએ મુહિમ ચલાવી હતી તેઓને પણ બોલાવવા જોઈતા હતા. સનાતન ધર્મ માટે સમાધાન જરૂરી છે. સ્વામિનારાયણ સંતોની સાથે સંપર્કમાં છું. સમાધાન માટે પ્રયાસ ચાલુ છે. જો સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરે તો નુકશાન થશે. સનાતન ધર્મમાં સંતો માટે સમાધાન જ વિકલપ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ-સંતોની સાથે પણ ચર્ચા કરવામાં આવશે. સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના નવતન સ્વામી દ્વારા વિવાદ આસપાસ નિવેદનો આપવામાં આવ્યા હતા, જેના પગલે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરવામાં આવી હતી. જે બાદ ગુજરાતના પ્રમુખની નિમણૂક કરવા માટે આજે જમાલપુર જગન્નાથ મંદિરમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજ સહિતના વિવિધ સંતો હાજર રહ્યા હતા. ધર્માચાર્ય અખીલેશ્વરદાસજી મહારાજ અને ચૈતન્ય શંભુ મહારાજ ઇતના સંતોની હાજરીમાં વિધિવત રીતે દિલીપદાસજી મહારાજની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગિરી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.