
મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ કિડની સર્જરી કરીને, એક જ કાર્યક્ષમ કિડની ધરાવતી 35 વર્ષીય મહિલાની કિડનીમાંથી 25 સેન્ટિમીટર મોટી ગાંઠ દૂર કરી હતી. સિનિયર યુરોલોજીકલ સર્જન ડૉ. અભિષેક સિંહની આગેવાનીમાં અદ્યતન રોબોટિક સર્જરી ટેકનોલોજી, દા વિન્સીનો ઉપયોગ કરીને આ સર્જરીને પાર પાડવામાં આવી હતી.શરૂઆતમાં, દર્દી એક મોટા એબ્ડોમિનલ માસ સાથે આવ્યું હતું. સીટી સ્કેન સહિતના ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ કરાવ્યા પછી, સામે આવ્યું કે તેણીને કિડનીમાં 25 સેન્ટિમીટરની મોટી ગાંઠ, એન્જીયોમાયોલિપોમા (AML) છે. મહિલાઓમાં પ્રજનન વય દરમિયાન આનુવંશિક સમસ્યાઓ અને હોર્મોનના ઉતારચડાવને કારણે કિડનીમાં આવા ગાંઠો ઘણીવાર વધી જતી હોય છે. જેના કારણે ખાસ કરીને પ્રજનન વયમાં હોય તેવી મહિલાઓ માટે નિયમિત તપાસ, સંભવિત લક્ષણો અંગે જાગૃતિ અને સમયસર હસ્તક્ષેપ મહત્વપૂર્ણ બની જાય છે.દર્દીની તપાસ કરતી વખતે, પ્રક્રિયાની જટિલતામાં વધારો ત્યારે થયો, જ્યારે MPUHના તબીબોને જણાયું હતું કે દર્દી પાસે ફક્ત એક જ કાર્યરત કિડની હતી. જેના કારણે દર્દીનો જીવ બચાવવા માટે કિડનીના કાર્યને જાળવી રાખવું મહત્વપૂર્ણ હતું. સર્જિકલ ટીમે કેસની જટિલતાનું મૂલ્યાંકન કર્યું અને અદ્યતન દા વિન્સી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોબોટિક-અસિસ્ટેડ પાર્શિયલ નેફ્રેક્ટોમી (કિડનીના ફક્ત અસરગ્રસ્ત ભાગને દૂર કરવું) સાથે આગળ વધવાનું નક્કી કર્યું.આ જટિલ પ્રક્રિયા વિશે વાત કરતા, મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના સિનિયર યુરોલોજિસ્ટ ડૉ. અભિષેક સિંહે જણાવ્યું હતું કે, “આ ગાંઠમાં ઘણી રક્તવાહિનીઓ હોવાથી સર્જરીમાં ઘણી વધારે ચોક્કસાઇ અને નિયંત્રણની જરૂર હતી. રક્તવાહિનીઓ ફાટવાથી ભારે રક્તસ્ત્રાવ થવાનું જોખમ હતું. જો કે, દા વિન્સી પ્લેટફોર્મે તેને ટાળવામાં અને પેશાબના માર્ગ, ધમનીઓ અને નસો જેવા મહત્વપૂર્ણ અંગો તેમજ કિડનીના મુખ્ય ભાગને સાચવવામાં ઘણી મદદ કરી. દા વિન્સી સિસ્ટમની ફાયરફ્લાય ટેકનોલોજીએ અમને એ ખાતરી કરવામાં મદદ કરી કે બાકીના કિડની ટિશ્યુને લોહીનો પૂરતો પુરવઠો મળી રહે. કિડનીના 90% કાર્યને જાળવી રાખીને, અમે લાંબા ગાળાની જટિલતાઓ અને ડાયાલિસિસની જરૂરિયાતને ટાળી શક્યા છીએ. દર્દી ઝડપથી સ્વસ્થ થઈ અને 12 કલાકની અંદર હલનચલન કરવા સક્ષમ હતી, અને 3-4 દિવસમાં તેને રજા પણ આપવામાં આવી.”૩૫ વર્ષીય દર્દીએ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “હું ડૉ. અભિષેક સિંહ અને મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલની સમગ્ર સર્જિકલ ટીમની આભારી છું. સારવારની પ્રક્રિયા અને ઉપયોગમાં લેવાયેલી રોબોટિક ટેકનોલોજી પર વિગતવાર કાઉન્સેલિંગનો સહિતની તેમની અસાધારણ સંભાળે ખરેખર મને કોઈ પણ ભય વિના સર્જરી કરાવવા માટે મદદ કરી હતી. તેમણે ફક્ત મારો જીવ જ નથી બચાવ્યો, પણ મને અપેક્ષા કરતાં ઘણી ઝડપથી મારા નિયમિત જીવનમાં પાછા ફરવામાં પણ મદદ કરી છે.”જુદા જુદા અભ્યાસ અનુસાર, આવી 40%થી વધુ ગાંઠો (એન્જિયોમાયોલિપોમા)ની ઓળખ અન્ય તબીબી પરીક્ષણો દરમિયાન થાય છે. જો સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો તેમના ફાટવાની અને ભારે રક્તસ્રાવ થવાની શક્યતાને કારણે આવા ગાંઠો જીવલેણ સાબિત થઈ શકે છે.”આ કેસ પ્રજનન વયની મહિલાઓમાં સ્વાસ્થ્ય સંબંધિત ચોક્કસ ચિંતાઓને સંબોધવાની જરૂરિયાતને દર્શાવે છે. લગભગ 6% વસ્તી એન્જીયોમાયોલિપોમાથી પ્રભાવિત છે. 4 સેમીથી મોટી ગાંઠોને દવા, એન્જીયોએમ્બોલાઇઝેશન અથવા સર્જિકલ રીતે દૂર કરવા સારવારની જરૂર પડે છે. તેથી, નિયમિત તપાસ કરાવવી અને જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તેને ઓળખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે,” તેમ ડૉ. અભિષેક સિંહે ઉમેર્યું હતું.