શ્રવણ અને શ્રીરામ…આ બંને દીકરાઓ ઇતિહાસમાં અમર છે. બેઉ પૂજાય છે. એકે અંધ માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા એમને કાવડમાં બેસાડી ચારધામની યાત્રા કરાવી જ્યારે બીજાએ પિતાની ઇચ્છાને માન આપવા રાજગાદીનો ત્યાગ કરી ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. માતૃભક્તિ કે પિતૃભક્તિની વાત આવે ત્યારે બેઉનાં ઉદાહરણો આજે પણ અપાય છે અને છતાં પણ દીકરા અને દીકરીની વાત આવે ત્યારે ગાઇ-વગાડીને હૈયું અને ગળું બેઉ ફાડી ‘દીકરી વહાલનો દરિયો…’ એવું બોલી બોલીને આપણે દીકરાને અન્યાય કરી બેસીએ છીએ. પહેલાંની વાત જુદી હતી. પહેલાંનાં સમયમાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી, દીકરી સાપનો ભારો ગણાતી અને દીકરો જ ઘરનો સાચો વારસદાર એવું માનવામાં આવતું. હવે અંતરિયાળ ગામડાં અને કેટલાક રૂઢિચુસ્ત પરિવારોને બાદ કરતા બધે એવું રહ્યું નથી. દીકરીને લક્ષ્મી ગણીને પૂજનારા પરિવારોની સંખ્યા વધી રહી છે. પરિવારમાં દીકરાને અપાય છે એટલું જ મહત્ત્વ, એટલો જ પ્રેમ, એટલો જ સ્નેહ દીકરીને અપાઇ રહ્યો છે અને ત્યારે મને એવું સાફ લાગી રહ્યું છે કે ‘દીકરી વહાલનો દરિયો’, ‘દીકરી ત્યાગની મૂર્તિ’ વગેરે વગેરે વિશેષણોની મદદથી આપણે દીકરીને થોડી ઓવરરેટેડ બનાવી દીધી છે. હું પણ એક દીકરી જ છું પણ હું વહાલનો દરિયો નથી કે ત્યાગની મૂર્તિ નથી. હું મારા અધિકારો માટે લડું છું, મને ખોટું લાગી આવે છે ત્યારે છાતી ઠોકીને મારા અણગમાને વ્યક્ત કરું છું અને મારા ગળે નહીં ઉતરતી હોય એવી એકપણ વાતનો સ્વીકાર કરતી નથી. હું પરણીને સાસરે ગયેલી ત્યારે બીજી દીકરીઓની જેમ મને પણ કહેવાયેલું કે સત્તાવીસ વર્ષ જે ઘરમાં રહી એ ઘરને છોડી પારકાનાં ઘરને પોતીકું કરવાની આવડત તો દીકરીમાં જ હોય…દીકરીઓ જ પોતાનાં ઘરનો ત્યાગ કરી શકે વગેરે…વગેરે…! પણ હું સાફપણે સમજતી હતી કે હું કોઇપણ પ્રકારનો ત્યાગ નહોતી કરી રહી. મારાં મા-બાપ કરિયાવરમાં મને લાખો રૂપિયાનું સોનું આપી રહ્યાં હતાં, મારી બેગમાં એકવીસ જોડ કપડાં મૂકી આપી રહ્યાં હતાં અને મને કોઇ તકલીફ ના પડે એ માટે મારા નામે એમણે ફિક્સ ડિપોઝિટો પણ જમા કરાવી હતી. મારું ઘર ત્યાગી પહેરેલે કપડે હું કોઇ આશ્રમમાં ન્હોતી જઇ રહી કે કોઇ પહાડી વિસ્તારમાં લોકોની સેવા કરવા જઇ રહી હતી. હું એવું સાફપણે જાણતી હતી કે માયરામાં જે પુરુષ સાથે ચાર ફેરા ફરી રહી છું એ પુરુષ હવેથી મારી સામાજિક-આર્થિક જવાબદારીઓ નિભાવવાનો છે અને એનાં ઘર પર, એની મિલકતો પર, એની કમાણી પર મારો સરખા હિસ્સાનો અધિકાર થવાનો છે. હું એ પણ સમજતી હતી કે સત્તાવીસ વર્ષ જે ઘરમાં રહી છું એ ઘરમાં બીજા સત્તાવીસ વર્ષ નથી રહેવાની છતાં એ ઘરમાં પચાસ ટકા હિસ્સાની દાવેદાર મટી તો નથી જ જવાની! તો એક દીકરી તરીકે મેં શું ત્યાગ કર્યો? આમાં મારી મહાનતા શું આવી? દીકરી લાડકી હોય છે. બિલકુલ હોય છે. એ પિતાનાં દિલની વધારે કરીબ હોય છે. ગજવામાં પતંગિયા લઇને દોડાદોડી કરતી દીકરી આખેઆખા બગીચાને ઘરનાં ડ્રોઇંગરૂમ સુધી સાથે લઇ આવતી હોય છે. પરીઓ સાથે એની સીધી ઓળખાણ હોય છે. રાજકુમારો અને એમના સફેદ ઘોડા સાથે એને લગાવ હોય છે. વાળ ઓળાવતી હોય ત્યારે એના ચોટલામાં મમ્મી-પપ્પા બેઉનો શ્વાસ અને વિશ્વાસ ગૂંથાઇ જતા હોય છે. દુનિયાદારીથી ખરબચડી થઇ ગયેલી તમારી હથેળીઓ પર એની હથેળીઓ મૂકી દીકરી તમારા સમયને બદલી શકે છે! દીકરી ઉંમરને લાયક થાય કે ઉંમર દીકરીને લાયક થાય…આ બંને અવસ્થામાં એ તમારી મા પણ બનતી હોય છે, તમારી દોસ્ત પણ બનતી હોય છે, તમારી દુશ્મન પણ બનતી હોય છે પણ તમારી દીકરી મટતી નથી! દીકરીને પરણાવો ત્યારે કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો હોય એવું ચોક્કસ જ લાગે! પણ આ જ દીકરી પરણ્યા વિના ઘરે બેસી રહે તો કાળજે વાગતી રહે છે એ પણ એટલી જ કડવી ને વરવી વાસ્તવિકતા છે. જો આપણે સ્ત્રી અને પુરુષ સમાનતાની વાતો કરતા હોઇએ તો દીકરી વહાલનો દરિયાનો કોન્સેપ્ટ ભૂલી જવો જોઇએ. દીકરીએ સ્ત્રી તરીકે જન્મ લીધો છે એટલે તમે એને દીકરી કહો છો અને દીકરાએ પુરુષ તરીકે જન્મ લીધો છે એટલે તમે એને દીકરો કહો છો. આટલો જ ફર્ક છે, બાકી બંને સંતાનો માત્ર છે! દીકરો એક કુળને તારે અને દીકરી ત્રણ કુળને તારે, દીકરીને ગાય…દોરે ત્યાં જાય વગેરે વગેરે સુવિચારો આપણે રડતાં-રડતાં બોલી તો દઇએ છીએ પણ રડતી વખતે એ ભૂલી જઇએ છીએ કે દીકરીને ત્રણ કુળ તારવામાં દીકરો પણ મદદ તો કરે જ છે. જો દીકરી ત્રણ કુળ તારતી હોય તો દીકરો પણ ત્રણ કુળ તારતો જ હોય છે. દીકરી લગ્ન કરીને પોતાનું ઘર છોડી દે છે એ વાત માત્રથી એ મહાન નથી થઇ જતી.પરણીને બીજા ઘરે જવું એ ઘણી દીકરીઓ માટે મમ્મી-પપ્પાએ બનાવેલા નિયમો, પોતાનાં પર લાગેલી પાબંદીઓ વચ્ચેથી ભાગી છૂટવાનો રસ્તો પણ હોય છે! જો તમે એવું માનતા હોવ કે દીકરી પોતાનું ઘર છોડી ત્યાગનું જીવતું-જાગતું સ્વરૂપ સાબિત થાય છે તો દીકરો ઘરમાં, બેડરૂમમાં, જીવનમાં, બેંક એકાઉન્ટમાં અને દસ્તાવેજમાં એક નવી વ્યક્તિને જગ્યા આપીને પોતાની મહાનતા સાબિત કરતો જ હોય છે. પોતાને વહાલનો દરિયો કહેવાય છે એ વાતે ખુશ થતી દરેક દીકરીઓએ એક વાત સાફ સમજવાની જરૂર છે કે સાસરવાસ અને વનવાસ આ બંનેમાં ફરક છે. સાસરે જનારી દીકરી જો ત્યાગનું પ્રતીક ગણાતી હોય તો પિતાની ઇચ્છા પૂરી કરવા મહેલ છોડી ચૌદ વર્ષ વનમાં રહેવા જનારા દીકરાનો ત્યાગ દીકરીનાં ત્યાગ કરતા ચોક્કસ જ મોટો છે અને મહાન પણ છે! દીકરીને વહાલનો દરિયો ગણીને આંસુ સારતાં મા-બાપની લાગણીઓને વંદન કરું છું પણ દીકરીનાં વહાલના દરિયામાં દીકરો ડૂબી ના જાય એનું ધ્યાન રાખવાની અપીલ પણ કરું છું.