
કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા ‘પસ્તી સે પઢાઈ તક’ નામક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારના રોજ અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલા નિર્માણ ટાવર ખાતે મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ‘પસ્તી સે પઢાઈ તક’ એક એવી પહેલ છે, જેમાં લોકો પાસેથી પસ્તી એટલે કે વેસ્ટ પેપરનું દાન સ્વિકારવામાં આવે છે અને પસ્તીના વેચાણ થકી જે આવક થાય છે, તેને આર્થિક રીતે નબળા બાળકોના અભ્યાસ અર્થે ખર્ચ કરવામાં આવે છે. નિર્માણ ટાવર ખાતે આયોજીત મેગા પસ્તી કલેક્શન ડ્રાઇવમાં ડ્રીમ ફાઉન્ડેશનના 25થી વધુ વોલેન્ટિયર્સ અને સ્થાનિકો જોડાયા હતા, જેઓએ નિર્માણ ટાવરમાં રહેતા લોકોને પ્રોજેક્ટ વિશેની સમજ આપી તેમને પસ્તીનું દાન આપવા અપીલ કરી હતી. વોલેન્ટિયર્સના સફળ પ્રયત્નો થકી બહોળા પ્રમાણમાં પસ્તીનું કલેક્શન કરવામાં સફળતા મળી હતી. આ સેવાકાર્યમાં સહયોગ બદલ તમામ નિર્માણ ટાવરના રહીશોનો ડ્રીમ ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર માને છે. ‘પસ્તી સે પઢાઈ તક’માં આપના અમૂલ્ય યોગદાન માટે આપ સંસ્થાનો સંપર્ક કરી શકો છો.