
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. 27મી જાન્યુઆરી 2026ના રોજ મળેલી આ ધમકીને પગલે ઍરપોર્ટ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્ત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર કેમ્પસમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર, આ ધમકી એક અજાણ્યા ઈ-મેઇલ આઇડી [email protected] (Amber Durham) પરથી મોકલવામાં આવી હતી. આ મેઇલ ઍરપોર્ટના સત્તાવાર ઈ-મેઇલ આઇડી [email protected] તેમજ અન્ય ફીડબેક આઇડી પર 27મી જાન્યુઆરીના રોજ સવારે 11.05 વાગ્યે મળ્યો હતો. ઈ-મેઇલના સબ્જેક્ટમાં ‘BOMB Blast luggage Section’ લખેલું હતું. મેસેજમાં જણાવાયું હતું કે, ‘અમદાવાદ ઍરપોર્ટ ટાર્ગેટ પર છે. શીખો હિન્દુ નથી અને મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે.’ આ સાથે જ ઍરપોર્ટને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ ઍરપોર્ટના ચીફ સિક્યોરિટી ઑફિસર અને અદાણી ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સવારે 11.20 વાગ્યે ‘બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી’ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. અંદાજે અડધા કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તમામ ચકાસણી કરવામાં આવી હતી. અંતે, કમિટીએ આ ધમકીને ‘નોન-સ્પેસિફિક’ જાહેર કરી હતી, છતાં સાવચેતીના ભાગરૂપે ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું હતું.


